દુનિયામાં ઘણા એવા દેશ છે જે પોતાની આગવી ઓળખ ધરાવે છે. પરંતુ આજે અમે તમને જે દેશ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે ખરેખર ખૂબ જ વિશેષ છે. આ દેશની કુલ લંબાઈ માત્ર 12 કિમી અને પહોળાઈ 200 મીટર છે. અહીં એક માત્ર ઍરપૉર્ટ, હૉસ્પિટલ અને પોલીસ સ્ટેશન છે. આ દેશનું નામ છે તુવાલુ.
આ દેશની કુલ વસ્તી 12,373
આ દેશ પ્રશાંત મહાસાગરમાં હવાઈ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સ્થિત પોલિનેશિયન ટાપુ પર આવેલો દેશ છે. આ દેશની રાજધાની ફનાફુટી છે. અહીં તુવાલુઆન અને ઓસ્ટ્રેલિયન ડૉલરનો કરન્સી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેના પડોશી દેશો કિરીબાતી અને ફિજી છે. આ દેશ નાના નાના કુલ નવ ટાપુઓથી બનેલો છે. અહીંની કુલ વસ્તી 12,373 છે. વર્ષ 2021માં 9 નવેમ્બરે તત્કાલીન વિદેશ મંત્રી સિમોન કોફીએ ઘૂંટણ સુધીના પાણીમાં ઊભા રહીને ભાષણ આપ્યું હતું. આ ઉપરાંત તેમણે તુવાલુના દરિયામાં ડૂબી જવાના દર્દને પણ આગળ કર્યું હતું.
તુવાલુ માત્ર 26 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે
તુવાલુની શોધ 1568માં થઈ હતી. એ પછી બ્રિટને તેના પર પોતાનો દાવો રજૂ કર્યો હતો. તુવાલુએ 1 ઑક્ટોબર, 1978ના રોજ યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રતા મેળવી હતી. અહીં સંસદીય લોકશાહી અને બંધારણીય રાજાશાહી છે. આ હજુ પણ બ્રિટિશ શાસન હેઠળ આવે છે અને ગવર્નર જનરલ દ્વારા શાસિત છે. જો આ દેશના કુલ વિસ્તાર વિશે વાત કરીએ તો, તુવાલુ માત્ર 26 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. વિશ્વ બૅંક અનુસાર, 2016માં તુવાલુની કુલ વસ્તી 11,097 હતી. પરંતુ લગભગ 91 ટકા લોકો નાસ્તિક છે અને અન્ય લોકો ખ્રિસ્તી ધર્મને અનુસરે છે.
તુવાલુ માટે દરિયાની સપાટીમાં વધારો એ સૌથી મોટું સંકટ છે. નાસાનો અંદાજ છે કે, વર્ષ 2050 સુધીમાં આ સ્થળના ઘણા ભાગો ભરતીમાં ડૂબી જશે. વધુમાં હવે દરિયાઈ પાણીને કારણે અહીંનો પાક પણ બગડવા લાગ્યો છે. જેના કારણે લોકો અન્ન સંકટનો સામનો કરી રહ્યા છે. તેના માટે અહીં અલગથી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ખેતીલાયક જમીન વધારવામાં આવી રહી છે તેમજ તેના માટે દરિયાઈ દીવાલો બનાવવામાં આવી રહી છે. તુવાલુ માટે આશાનું સૌથી મોટું કિરણ ઓસ્ટ્રેલિયા છે જે તેને સ્થળાંતર કરવાનો માર્ગ મોકળો કરી રહ્યું છે.
પ્રવાસનનો સ્કોપ વધશે
કુદરતી નજારો અને ચારેય બાજુ સમુદ્રની સુંદરતા મનમોહક છે. આમ છતાં અહીં બહુ ઓછા પ્રવાસીઓ આવે છે. દર વર્ષે સરેરાશ 2000 પ્રવાસીઓ તુવાલુ દેશમાં પહોંચે છે. અહીં ઓછા લોકો આવવાનું સૌથી મોટું કારણ શુદ્ધ પાણીનો અભાવ છે. અહીં શુદ્ધ અને તાજા પાણીનો સૌથી મોટો સ્ત્રોત વરસાદ છે. અને ખાવા માટે માત્ર માછલી જ મળશે. તેથી આવી સ્થિતિમાં જો કોઈ શાકાહારી હોય તો, તેના માટે અહીં ખૂબ જ મુશ્કેલ હશે. યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઑર્ગેનાઇઝેશન(UNWTO)ના રિપોર્ટ પ્રમાણે 2016માં 2,000 લોકોએ તુવાલુની મુલાકાત લીધી હતી. તો વર્ષ 2014 માં અહીં મુસાફરી કરનારા લોકોની સંખ્યા માત્ર એક હજાર હતી.