રાજ્યમાં આગામી 8થી 10 સપ્ટેમ્બર, 2025 દરમિયાન યોજાનારા ગુજરાત વિધાનસભાના 15મા કાર્યકાળના સાતમા સત્રમાં અનેક મહત્વપૂર્ણ ચર્ચાઓ અને વિધેયકો રજૂ થવાના છે. સત્રની શરૂઆત 8મી સપ્ટેમ્બરના રોજ પ્રશ્નોતરીથી થશે, ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન વિવિધ શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા કરીને ગૃહને મુલતવી રાખવામાં આવશે. 9 અને 10 સપ્ટેમ્બરના રોજ પ્રશ્નોતરી અને નિયમિત કામકાજ ઉપરાંત કુલ પાંચ મહત્વપૂર્ણ વિધેયકો રજૂ કરવામાં આવશે. આ વિધેયકોમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું ‘કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, 2025’, નાણા વિભાગનું ‘ગુજરાત માલ અને સેવા કર (દ્વીતિય સુધારા) વિધેયક, 2025’, ઉદ્યોગ અને ખાણ વિભાગનું ‘ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક, 2025’, તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના બે મહત્વપૂર્ણ વિધેયકો—‘ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક, 2025’ અને ‘ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક, 2025’ શામેલ છે.
આ અંગે માહિતી આપતા નાણા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ઔદ્યોગિક રોકાણ વધારવા, ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને રોજગારની નવી તકો ઊભી કરવા માટે કાયદાકીય જોગવાઈઓમાં સુધારા લાવવા તત્પર છે. ખાસ કરીને મહિલા કર્મચારીઓ માટે સુરક્ષા અને જરૂરી લાભોની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા કામના કલાકોમાં ફેરફારો માટે અગાઉ વટહુકમ જારી કરવામાં આવ્યો હતો, જેને હવે અધિનિયમમાં રૂપાંતરિત કરવા માટે ‘કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, 2025’ રજૂ કરવામાં આવશે.
તે જ રીતે નાણા વિભાગ દ્વારા ‘ગુજરાત માલ અને સેવા કર (દ્વીતિય સુધારા) વિધેયક, 2025’ રજૂ કરવામાં આવશે. આ સુધારો કેન્દ્ર સરકારના CGST અધિનિયમ, 2017 અને રાજ્યના GGST અધિનિયમ, 2017 વચ્ચે એકરૂપતા જાળવવા તથા GST કાઉન્સિલની ભલામણોને ઝડપી અમલમાં મૂકવા માટે જરૂરી છે.
ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા ‘ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક, 2025’ લાવવામાં આવશે, જેનો હેતુ વ્યવસાય ઓને સરળ બનાવવા, કાનૂની નિયમનોને આધુનિક અને ડિજિટલ સ્વરૂપે લાવવા તેમજ નાગરિકોના જીવનને સરળ બનાવવા છે. આ વિધેયક કોર્ટ પરના કેસોના ભારણમાં ઘટાડો લાવવા અને ઉદ્યોગોને વધુ પારદર્શક માહોલ પૂરું પાડવા માટે સહાયક બનશે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના બે વિધેયકો પણ અત્યંત મહત્વપૂર્ણ છે. પ્રથમ, ‘ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક, 2025’, જેના દ્વારા આયુર્વેદ અને યુનાની પ્રેક્ટિશનરોની નોંધણી અને નિયમનકારી સંસ્થા હવે “બોર્ડ”ના બદલે “કાઉન્સિલ” તરીકે ઓળખાશે. આ બદલાવ કેન્દ્ર સરકારની સૂચનાને અનુરૂપ છે અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ, 1963માં જરૂરી સુધારા કરશે. બીજું, ‘ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક, 2025’, જેના દ્વારા રાજ્યમાં 2021માં અમલમાં આવેલા ક્લિનિકલ સ્થાપના અધિનિયમને વધુ અસરકારક બનાવવા માટે ક્લિનિકલ સંસ્થાઓને ફરજિયાત નોંધણી માટે વ્યાજબી સમય આપવામાં આવશે.
આ સમગ્ર સત્ર દરમિયાન રાજ્ય સરકારના કાયદાકીય, ઔદ્યોગિક, આર્થિક તેમજ આરોગ્ય ક્ષેત્ર સાથે સંબંધિત અનેક મહત્વપૂર્ણ સુધારા પર વિચારણા થવાની હોવાથી આ સત્ર ખૂબ જ ચર્ચાસ્પદ અને પ્રભાવશાળી રહેવાની સંભાવના છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel