મિસલ્સ એક એવું વાયરલ ઇન્ફેક્શન છે જે મોટા ભાગે બાળકોને અસર કરે છે, પરંતુ તે બીજી ઉંમરના લોકોને પણ થઈ શકે છે. ઓરી (મિસલ્સ) વાઇરસને કારણે થાય છે અને તે વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાઈ શકે છે. WHOના તાજેતરના રિપોર્ટ મુજબ ઓરીની બીમારી ભારત માટે ખતરારૂપ છે. આ રિપોર્ટમાં 57 દેશોમાં ઓરીના પ્રકોપનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં ભારતનું સ્થાન બીજું છે. તેમાં એમ પણ કહેવાઈ રહ્યું છે કે, ઓરીના ઇન્ફેક્શનના રસીકરણમાં સતત ઘટાડો આવી રહ્યો છે. જેના કારણે આ ઇન્ફેક્શન લોકોમાં વધી રહ્યું છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2023માં ઓરીના 10.3 મિલિયન કેસ નોંધાયા હતા. જેમાં અનુમાનીત મોતની સંખ્યામાં 8 ટકાની વૃદ્ધિ થઈ છે, જેમાં વૈશ્વિક સ્તરે ઓરીના કારણે 107,500 મોત થયા છે.
- ઓરી શું છે?
ઓરી એ એક વાયરલ રોગ છે, જે મોર્બિલીવાયરસ નામના વાયરસથી ફેલાય છે. તે મોટે ભાગે બાળકો અથવા નબળા રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને શિકાર બનાવે છે. આ વાઇરસ હવા દ્વારા ફેલાય છે. જે છીંક કે ખાંસી દ્વારા વાયુના કણોમાંથી શરીરમાં પ્રવેશ કરે છે. - ઓરીના પ્રારંભિક સંકેતો
- તાવ આવવો.
- ઉધરસ, શુકી ઉધરસ
- નાક બંધ થવું કે તેમાંથી પાણી આવવું
- આંખોમાં બળતરા અને લાલાશ
- શરીર પર લાલ ફોલ્લીઓ થવી
- મોઢાની અંદર સફેદ ફોલ્લીઓ થવી
- ઓરીની સારવાર
ઓરીની કોઈ ચોક્કસ સારવાર નથી કારણ કે તે વાયરલ ઇન્ફેક્શન છે, પરંતુ તેના લક્ષણોને ઘટાડી શકાય છે. તાવ ઘટાડવા માટે પેરાસીટામોલ જેવી દવાઓ લઈ શકાય છે. શરીરમાં પાણીની ઉણપ ન થાય તે માટે પાણી પીવું. પૌષ્ટિક આહારનું સેવન કરો. જો ગંભીર કેસ હોય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.
- કેસોમાં વધારો થવાનું કારણ
WHOના રિપોર્ટ મુજબ ઓરીના કેસ વધવાનું મુખ્ય કારણ રસીકરણમાં ઘટાડો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતમાં ઓરી રસીકરણ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમ છતાં રસીકરણના અભાવના કારણે ઓરીના કેસ વધી રહ્યા છે.