કોઈપણ દેશમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા જાળવવા માટે તપાસ એજન્સીઓની જરૂર છે. અન્ય દેશોની જેમ ભારતમાં પણ ઘણી સુરક્ષા એજન્સીઓ છે. જેમના નામ વિશ્વની ટોચની સુરક્ષા એજન્સીઓમાં સામેલ છે. સરહદ પર તૈનાત જવાનોની સાથે સાથે દેશની અંદર એવી ઘણી એજન્સીઓ છે જેણે દેશને મોટા જોખમોથી બચાવ્યો છે.
રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)
રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે RAW ગુપ્ત રીતે દેશના દુશ્મનોને ખતમ કરે છે. તેની રચના 1968માં કરવામાં આવી હતી, જેને તે સમયે ફોરેન ઈન્ટેલિજન્સ નામ આપવામાં આવ્યું હતું. તેની ગણતરી વિશ્વની શ્રેષ્ઠ સુરક્ષા અને જાસુસી એજન્સીઓમાં થાય છે. તે માત્ર દેશની અંદર જ નહીં પરંતુ દેશની બહારના દુશ્મનો પર પણ નજર રાખે છે. વાસ્તવમાં RAW માટે કામ કરતા એજન્ટો તેમના જીવની પરવા કર્યા વિના ખતરનાક મિશન પર જાય છે અને ઘણી વખત RAW એજન્ટો તેમના પરિવારને પણ જણાવતા નથી કે તેઓ આ એજન્સીનો ભાગ છે.
ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)
ઇન્ટેલિજન્સ બ્યુરોની રચના 1887માં સરકારના એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા કરવામાં આવી હતી. આ પછી વર્ષ 1947માં તેનું પુનર્ગઠન કરવામાં આવ્યું. IB દેશની સૌથી જૂની જાસુસી એજન્સી છે, જે ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. આઈબી ઈન્ટેલિજન્સ ઓપરેશન દ્વારા દેશની આંતરિક બાબતો પર નજર રાખે છે. એટલું જ નહીં, આ એજન્સી ભારત સરકારને વિદેશ નીતિ બનાવવામાં પણ મદદ કરે છે. IB દેશની ગુપ્ત માહિતી એકત્ર કરે છે. આપને જણાવી દઈએ કે, 1950થી સોવિયત રશિયાના વિઘટન સુધી તેના સભ્યોને રશિયાની સરકારી સુરક્ષા એજન્સી KGB દ્વારા તાલીમ આપવામાં આવી છે.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)
31 ડિસેમ્બર 2008ના મુંબઈ હુમલા બાદ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની રચના કરવામાં આવી હતી. આ એજન્સીનું મુખ્ય કામ આતંકવાદ સંબંધિત મામલાઓને સંભાળવાનું છે. આ એજન્સીની રચના આતંકવાદી હુમલાઓ, આતંકવાદના ફંડિંગ અને તેને લગતી તમામ બાબતોની નજીકથી તપાસ કરવા માટે કરવામાં આવી હતી.
નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (NTRO)
નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની રચના વર્ષ 2004માં થઈ હતી. તેનું મુખ્ય કાર્ય અન્ય દેશોમાંથી ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે સંકલન કરવાનું છે અને પછી દેશને તમામ જરૂરી માહિતી પૂરી પાડવાનું છે. 2014માં આ એજન્સી દ્વારા ICGને આપવામાં આવેલી ગુપ્ત માહિતીના આધારે એક મોટા ઓપરેશનમાં એક પાકિસ્તાની વિમાનને ઉડાવી દેવામાં આવ્યું હતું.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)
NCBની રચના વર્ષ 1986માં કરવામાં આવી હતી. NCBનું કામ ગેરકાયદેસર ડ્રગ્સની હેરાફેરી સાથે સંબંધિત કેસોનો સામનો કરવાનું છે. ભારતમાં માદક દ્રવ્યોની દાણચોરી અને તેના દુરુપયોગને રોકવા માટે આ એજન્સી BSF પંજાબ બોર્ડર સાથે સંકલનમાં અનેક મોટા ઓપરેશન ચલાવે છે.
ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સી (DIA)
ડિફેન્સ ઈન્ટેલિજન્સ એજન્સીની રચના વર્ષ 2002માં થઈ હતી. તે દેશ અને વિદેશમાં સંરક્ષણ સંબંધિત ગુપ્ત માહિતી એકત્રિત કરે છે અને દેશની ડિફેન્સ સિસ્ટમને એલર્ટ કરે છે. ડિરેક્ટોરેટ ઑફ સિગ્નલ ઇન્ટેલિજન્સ ડિફેન્સ ઇમેજ પ્રોસેસિંગ એન્ડ એનાલિસિસ સેન્ટર અને ડિફેન્સ ઇન્ફોર્મેશન વૉરફેર આ એજન્સી હેઠળ કામ કરે છે.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનની રચના 1 એપ્રિલ, 1963ના રોજ કરવામાં આવી હતી. તે ભારતની મહત્વપૂર્ણ કેન્દ્રીય તપાસ એજન્સીઓમાંની એક છે. રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી બાબતોની સાથે આ એજન્સી ઘણી જટિલ અને અતિ આવશ્યક બાબતોની પણ તપાસ કરે છે. તેના સભ્યોને વિવિધ વિભાગો દ્વારા તાલીમ આપવામાં આવે છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની રચના 1 મે 1956ના રોજ કરવામાં આવી હતી. તે ભારતમાં આર્થિક ગુનાઓ સામે પગલાં લે છે અને ભ્રષ્ટાચાર સંબંધિત કેસોની સંપૂર્ણ તપાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સાથે તે દેશમાં આર્થિક કાયદા લાગુ કરવાનું પણ કામ કરે છે.