પહલગામ આતંકી હુમલા મુદ્દે ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ પાંચ મોટા નિર્ણયો લીધા છે. જેમાં ભારતમાં રહેતાં તમામ પાકિસ્તાની નાગરિકોને ત્રણ દિવસની અંદર પાકિસ્તાન પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પાકિસ્તાની નાગરિકોના ભારત વિઝા 27 એપ્રિલ સુધી જ માન્ય રહેશે. બીજી બાજુ પાકિસ્તાન નાગરિકોના ભારત માટે મેડિકલ વિઝા 29 એપ્રિલ સુધી માન્ય રહેશે. જેથી પાકિસ્તાનીઓને વિઝા રદ થાય તે પહેલાં પોતાના વતન પરત ફરી જવા આદેશ આપવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે ગઈકાલે સાંજે કરેલી કેબિનેટ બેઠકમાં પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો. આ આદેશને અનુરૂપ અનેક પાકિસ્તાની નાગરિકો અટારી-વાઘા બોર્ડરથી પોતાના સ્વદેશ પરત ફર્યા હતાં. હવે તેમના વિઝા માત્ર 27 એપ્રિલ સુધી જ માન્ય રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ભારતીયોને તુરંત સ્વદેશ ફરવા સલાહ
બીજી તરફ કેન્દ્ર સરકારે પાકિસ્તાનમાં રહેતાં અને પ્રવાસે ગયેલા ભારતીયોને તુરંત જ સ્વદેશ પરત ફરવા સલાહ આપવામાં આવી છે. સરકારનું આ પગલું જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ લેવામાં આવ્યું છે. આ હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં ગુજરાતના ત્રણ અને બે વિદેશી સામેલ છે. આ ક્રૂર આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર પાકિસ્તાનનો બહિષ્કાર કરતાં વિવિધ પ્રતિબંધો મૂકી રહી છે. વિદેશી બાબતોના મંત્રાલયે ભારતીયોને પાકિસ્તાનનો પ્રવાસ ન કરવા ચોખ્ખી ના પાડી છે.
Press Release: Decision regarding Visas of Pakistani nationals⬇️
— Randhir Jaiswal (@MEAIndia) April 24, 2025
બેઠકમાં અટારી-વાઘા બોર્ડર પણ તાત્કાલિક ધોરણે બંધ કરવાની જાહેરાત થઈ હતી. જે લોકો કાયદેસર વિઝા સાથે પાકિસ્તાન ગયા છે, તે તમામ ભારતીયો 1 મે પહેલાં આ માર્ગે પરત ફરી શકે છે. આજે સવારે અનેક પાકિસ્તાની પરિવાર અટારી-વાઘા બોર્ડરથી સ્વદેશ પરત ફરવા અમૃતસર સ્થિત આઈસીપી પહોંચ્યા હતાં.