વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે તાપી જિલ્લામાં “૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” થીમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે રવિવારે વ્યારા નગરપાલિકાના સભાખંડ ખાતે જિલ્લા પ્રભારી અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી.
પત્રકાર પરિષદને સંબોધતા મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, ગત ૧૨ વર્ષમાં દેશની તસવીર અને તકદીર બંને બદલાઈ છે. તેમણે સરકારની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪થી શરૂ થયેલી આ વિકાસયાત્રાએ ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ના મંત્રને લોકઆંદોલન બનાવ્યું છે. ટેકનોલોજી અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા લાખો નકલી લાભાર્થીઓને દૂર કરી દેશના રૂ. ૪.૩૧ લાખ કરોડ જેવી મોટી રકમ ખોટા હાથોમાં જતી બચાવી છે, જેનો સીધો લાભ ગરીબ જનતાને મળ્યો છે.
મંત્રીએ જણાવ્યું કે, સરકારની પ્રાથમિકતા ગરીબ, ખેડૂત, યુવાન અને મહિલાઓ રહી છે. દેશમાં ૨૫ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. ૮૧ કરોડ લોકોને મફત રાશન, ૪ કરોડ પાકાં મકાનો અને ૧૧ કરોડથી વધુ મહિલાઓને ઉજ્જવલા યોજના દ્વારા ગેસ કનેક્શન આપી તેમના જીવનધોરણમાં સુધારો કરવામાં આવ્યો છે.
આદિજાતિ વિકાસ મંત્રી તરીકે તેમણે વિશેષ ભાર મૂકતા જણાવ્યું કે, જનજાતીય સમાજના સર્વાંગી વિકાસ માટે સરકારે રૂ. ૧૫,૦૦૦ કરોડનું બજેટ અને ‘ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ હેઠળ રૂ. ૭૯,૦૦૦ કરોડની જોગવાઈ કરી છે, જે સીધી રીતે આપણા જિલ્લાના આદિવાસી ભાઈ-બહેનોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે.
છેલ્લા ૧૨ વર્ષમાં નેશનલ હાઈવેનું નેટવર્ક બમણું થયું છે, ભારતીય રેલવેનું ૧૦૦ ટકા જેવું વિદ્યુતીકરણ થયું છે અને દેશમાં ૧૬૪થી વધુ વંદે ભારત ટ્રેનો કાર્યરત થઈ છે. મેટ્રો નેટવર્ક અને નવા એરપોર્ટ્સના નિર્માણથી સામાન્ય માણસની મુસાફરી સરળ બની છે.
આજે ભારત વિશ્વ મંચ પર એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ઉભર્યું છે. જી-૨૦ની સફળ અધ્યક્ષતા અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે વડાપ્રધાન મોદીનું સ્થાન એ દરેક ભારતીય માટે ગૌરવની વાત છે.
મંત્રીએ અંતમાં ઉમેર્યું કે, મોદી સરકારના આ ૧૨ વર્ષ માત્ર આંકડાઓ નથી, પરંતુ આત્મનિર્ભર અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરતો પ્રવાસ છે. આગામી દિવસોમાં તાપી જિલ્લામાં પણ આ વિકાસ ગાથાને લોકભાગીદારી સાથે ઉજવવામાં આવશે.
ટૂંકમાં તેમણે કોરોના વેક્સીનેશનથી લઈને રાશન ઉપલબ્ધિ, મહિલા સુરક્ષા અને સ્વમાન માટે શૌચાલય, આવાસ સુવિધા, ઉજ્જવલા યોજના, પીએમ કિસાન સન્માન નિધિ, નવી શિક્ષન નીતિ, જિલ્લાઓમ આઈટીઆઈથી લઈને આઈઆઈટી સુધી, મેડિકલ કૉલેજની સ્થાપના, સ્વાસ્થ્ય માટેની યોજના સહિત વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ લોકકલ્યાણ કરી તમામ યોજનાઓ અંગે મંત્રીએ જાણકારી આપી હતી.
રાજ્યમંત્રી ડૉ જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકે ૧૨ વર્ષનો સફળ કાર્યકાળ પૂર્ણ થયો છે, જે અત્યાર સુધીનો સૌથી લાંબો કાર્યકાળ છે. દેશના વડાપ્રધાન તરીકે તેમણે ગરીબો, ખેડૂતો અને મહિલાઓના કલ્યાણ માટે અનેક સરકારી યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મૂકી છે. હવે ‘વિકસિત ભારત ૨૦૪૭’ એ પ્રત્યેક નાગરિકો સહિત સૌનું સપનું છે.
આ પત્રકાર પરિષદમાં જિલ્લા અગ્રણી સૂરજભાઈ વસાવા, સાંસદ પરભુભાઈ વસાવા, ધારાસભ્ય સર્વે મોહનભાઇ ઢોડિયા અને મોહનભાઇ કોંકણી જિલ્લાના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
બાયટ:- નરેશ પટેલ ( પ્રભારી મંત્રી તાપી જિલ્લો)
રિપોર્ટર :- વિકાસ શાહ ( તાપી )
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel