ચીનના તિયાનજિન શહેરમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટના સમાપન પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે હોટેલ રિટ્ઝ કાર્લટનમાં એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ. આ બેઠકમાં બંને નેતાઓએ આર્થિક સહયોગ, વ્યૂહાત્મક ભાગીદારી, ઊર્જા, ખાતર, સુરક્ષા, અંતરિક્ષ સંશોધન અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી. પુતિને બેઠકની શરૂઆતમાં જણાવ્યું કે, “વડાપ્રધાન મોદીને મળીને મને હંમેશા આનંદ થાય છે, કારણ કે અમારી મિત્રતા ફક્ત રાજકીય સંબંધોથી મર્યાદિત નથી, પરંતુ એ વિશ્વાસ, સન્માન અને વ્યૂહાત્મક સહકારના પાયો પર ટકી છે.” તેમણે ઉમેર્યું કે, અમેરિકા સહિતના પશ્ચિમી દેશોના દબાણ વચ્ચે પણ ભારત-રશિયાના સંબંધો સિદ્ધાંતોના આધારે વધુ મજબૂત બન્યા છે.
પુતિને ભારપૂર્વક જણાવ્યું કે ભારત-રશિયા સંબંધો “વિશેષ અને વ્યૂહાત્મક ભાગીદારી”ના સિદ્ધાંતો પર આધારિત છે. વૈશ્વિક રાજકારણની અનિશ્ચિતતા અને અમેરિકા દ્વારા રશિયન તેલની ખરીદી પર લાદવામાં આવેલા ટેરિફ વચ્ચે પણ બંને દેશોએ એકબીજાની સાથે રહેવાનું નક્કી કર્યું છે. પુતિન અને મોદી બંનેએ સ્વીકાર્યું કે આ સંબંધો પરસ્પર હિત માટે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્થિરતા અને શાંતિ માટે પણ મહત્વપૂર્ણ છે.
બેઠક બાદ વડાપ્રધાન મોદીએ X પર લખ્યું કે, “રાષ્ટ્રપતિ પુતિન સાથે એક ખૂબ જ શાનદાર બેઠક થઈ. વેપાર, ઊર્જા, ખાતર, અંતરિક્ષ, સુરક્ષા અને સંસ્કૃતિ જેવા અનેક ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ચર્ચા થઈ. સાથે સાથે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. ભારત-રશિયાની વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત વ્યૂહાત્મક ભાગીદારી વૈશ્વિક સ્થિરતાનો એક મહત્વપૂર્ણ સ્તંભ છે.”
Had an excellent meeting with President Putin on the sidelines of the SCO Summit in Tianjin. Discussed ways to deepen bilateral cooperation in all sectors, including trade, fertilisers, space, security and culture. We exchanged views on regional and global developments, including… pic.twitter.com/DhTyqOysbf
— Narendra Modi (@narendramodi) September 1, 2025
વડાપ્રધાન મોદીએ પુતિનને આ વર્ષે ભારતની મુલાકાત માટે આમંત્રણ આપ્યું અને કહ્યું કે, “તમારી સાથે મળવું હંમેશા મારા માટે એક યાદગાર અનુભવ છે. આ વખતે પણ અમારી ચર્ચાઓ ખૂબ જ ઉપયોગી રહી. આ વર્ષે 23મી શિખર સંમેલન માટે 140 કરોડ ભારતીયો આતુરતાથી તમારી રાહ જોઈ રહ્યા છે. ભારત અને રશિયા મુશ્કેલ સમયમાં પણ ખભેખભો મિલાવીને ઊભા રહ્યા છે, જે અમારી ભાગીદારીની ઊંડાઈ અને વિશ્વસનીયતા દર્શાવે છે.”
યુક્રેન યુદ્ધના મુદ્દે વડાપ્રધાન મોદીએ ફરી એકવાર શાંતિની અપીલ કરી. તેમણે કહ્યું, “અમારો સહકાર ફક્ત આપણા દેશોના લોકો માટે જ નહીં, પરંતુ વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે પણ મહત્વપૂર્ણ છે. યુક્રેન સંઘર્ષ પર અમે સતત ચર્ચા કરી રહ્યા છીએ અને શાંતિ માટે કરવામાં આવેલા દરેક પ્રયત્નોનું સ્વાગત કરીએ છીએ. હવે સમય આવી ગયો છે કે તમામ પક્ષો રચનાત્મક રીતે આગળ વધે અને માનવતાને બચાવવા માટે જલદીથી જલદી કોઈ કાયમી ઉકેલ શોધવામાં આવે.”
આ રીતે તિયાનજિન બેઠકમાં મોદી-પુતિન સંવાદે ફક્ત દ્વિપક્ષીય સહકારને જ નવી દિશા આપી નથી, પરંતુ વૈશ્વિક સ્તરે પણ એક મજબૂત સંદેશ આપ્યો છે કે ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા બદલાતી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં પણ અડગ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel