રાજસ્થાનમાં પરિણામના વલણોમાં ફરી એક વાર સત્તાપલટ થતી જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) બહુમતી સાથે સત્તામાં પરત ફરતી જોવા મળી રહી છે. તાજેતરના વલણો અનુસાર ભાજપ જીત તરફ આગળ છે. તાજેતરના વલણો રાજ્યમાં કોંગ્રેસની સત્તામાંથી વિદાયના સંકેત આપી રહ્યા છે. ત્યારે એ પ્રશ્ન સામે આવી રહ્યો છે તે કોંગ્રેસની હાર માટે શું આ પાંચ કારણો જવાબદાર હોઇ શકે છે?
જૂથવાદ
કોંગ્રેસમાં ચૂંટણીના થોડા મહીનાઓ પહેલા સુધી જુથવાદ જોવા મળી રહ્યો હતો. અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેના ઝઘડાની અસર કાર્યકરો પર પણ પડતી જોવા મળી હતી. જેના કારણે જનતા પર પણ તેનો ખોટો સંદેશ ગયો હોવાની ચર્ચા છે. જો કે ચૂંટણી પહેલા બંને નેતાઓ અમે સાથે છીએ એવો સંદેશ આપતા જોવા મળ્યા હતા. જો કે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. બીજી તરફ આ જ સમયે ભાજપે આંતરકલહને સારી રીતે સંભાળી લીધો હતો.
ચૂંટણી મોદી VS ગેહલોત બની ગઈ
રાજસ્થાનમાં મોદી VS ગેહલોતની ચૂંટણી જોવા મળી, જે કોંગ્રેસ માટે મોંઘી સાબીત થઇ. એક તરફ રાજસ્થાનમાં પીએમ મોદીએ રાજસ્થાનમાં જંગી ચૂંટણી રેલીઓ યોજી હતી, ત્યારે બીજી તરફ કોંગ્રેસમાંથી માત્ર સીએમ ગેહલોતના ખભા પર પ્રચારનો વધુ ભાર જોવા મળ્યો હતો. ચૂંટણી સંપૂર્ણપણે મોદી VS ગેહલોત બની ગઈ અને તેનો ફાયદો ભાજપને થયો.
કન્હૈયાલાલ હત્યા કેસની ભારે અસર પડી હતી
ભાજપે ઉદયપુરના કન્હૈયાલાલ હત્યા કેસનો મુદ્દો રાજસ્થાન ચૂંટણીમાં ઉઠાવ્યો હતો. ભાજપની આ રણનીતિ અસર ચૂંટણીમાં જોવા મળી. રાજસ્થાનના રાજકારણમાં કહેવાય છે કે જે મેવાડ જીતે છે તે રાજસ્થાન જીતે છે. જો ભાજપને જીત મળતી દેખાઈ રહી છે તો તેની પાછળ કન્હૈયાલાલ હત્યા કેસની સાથે કાયદો અને વ્યવસ્થાના મુદ્દાનીમહત્વની ભૂમિકા માનવામાં આવે છે.
આકર્ષક યોજનાઓ આપી વિવાદોને ઢાંકવાનો પ્રયાસ
ચૂંટણી વર્ષમાં અશોક ગેહલોત સરકારે એક પછી એક ચૂંટણીલક્ષી યોજનાઓ આપી. ચિરંજીવી યોજના હેઠળ, તેમણે આરોગ્ય વીમાની મર્યાદા વધારીને 50 લાખ રૂપિયા કરવાનું વચન આપ્યું હતું. જેના થકી ગેહલોત સરકારે પેપર લીક, લાલ ડાયરી અને ભ્રષ્ટાચારના આક્ષેપોએ સસ્તા ગેસ સિલિન્ડર સહિતના વિવાદોને ઢાંકવા પ્રયાસ કર્યો.
બળવાખોરોએ ખાડો પાડ્યો
બળવાખોરોને કોંગ્રેસની હાર પાછળ મોટું કારણ માનવામાં આવે છે. કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતાં અનેક નેતાઓએ પક્ષ સામે બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરી હતી. કેટલાક ભાજપ અને અન્ય પક્ષોની ટિકિટ પર પણ ચૂંટણી લડ્યા હતા. આ બળવાખોરોએ કોંગ્રેસ સામે બંડ પોકારી દીધો હતો. ભાજપે દરેક બળવાખોરને મનાવવાની જવાબદારી મોટા નેતાઓને આપી અને તેમને મનાવવાનો પૂરો પ્રયાસ કર્યો. ઘણા બળવાખોરો સંમત થયા અને ભાજપને આનો ફાયદો થતો જણાય છે.