તાપી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી ડોલવણ (સરકારી ગ્રાઉન્ડ) ખાતે આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય મોહનભાઈ કોકણી, કલેકટર ડો.વિપિન ગર્ગ, નાયબ વન સંરક્ષક પુનિત નૈયર,જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ,આદિજાતિ વિભાગના ઉપ સચિવ જયદેવસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ આદિવાસી ભાઈઓ-બહેનોને સંબોધતા જણાવ્યું હતું કે ભારતનો ભૂતકાળ હોય કે વર્તમાન, આદિવાસી સમાજ સિવાય ક્યારેય પૂર્ણ ના થઈ શકે. દાતા થી લઈ ડાંગ સુધી આદિવાસી સમાજે સંસ્કૃતિને ધબકતી રાખી છે. આદિવાસી સમાજનો ગૌરવપૂર્ણ ઈતિહાસ છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજની સાથે રહીને પરિવારનો વિકાસ થાય એ વિઝન રાખીને યોજનાઓ બનાવી છે. આજે ગુજરાતના ખૂણે ખૂણે યોજનાઓ પહોંચી છે. આયુષમાન યોજના થકી આરોગ્યની સારવાર મફતમાં થઈ જાય. જેની ચિંતા મુખ્યમંત્રીએ કરી છે. છેવાડાના ગામોમાં નેટવર્કની સમસ્યા આવે છે. જેના માટે ટૂંક સમયમાં નાગરિકોને કેન્દ્રમાં રાખીને ટાવર લોન્ચીંગ થનાર છે.
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં શાળા, કોલેજના વિદ્યાર્થીઓ અને વિવિધ આદિવાસી સમાજના લોકોએ પારંપારિક નૃત્યો રજુ કર્યા હતા.આદિવાસી સમાજના વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ, કલાકારો અને રમતવીરોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.