કચ્છ પોલીસે આરોપીના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી વિગતોનો પર્દાફાશ કર્યો.
કચ્છના માંડવી તાલુકાની હિન્દુ કિશોરીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ દુષ્કર્મ ગુજારી, નિકાહ કરવા માટે ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ બનવા દબાણ કરવા સાથે ધમકી આપનાર પુણેના શખસ જિયાદ ઉર્ફે સમીર લતીફ શેખની કચ્છ પોલીસે ધરપકડ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ દરમિયાનમાં પોલીસ દ્વારા પૂછપરછમાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હોવાનું જણાવતાં સૂત્રોએ કહ્યું હતું કે, જિયાદ ફેસબૂક મારફતે અન્ય હિન્દુ અને ક્રિશ્ચિયન યુવતીઓને ફસાવવા માટે સક્રિય હતો અને ફેસબૂક મેસેન્જર દ્વારા તેણે ૨૮ યુવતીઓને ‘હાય’ મેસેજ મોકલીને સંપર્ક કર્યો હતો, જે ૨૮ યુવતીઓમાં ૨૨ હિન્દુ અને ૬ ક્રિશ્ચિયન હોવાની જાણકારી મળી રહી છે. જેના પગલે તપાસનીશ
અધિકારીઓને આરોપી શખસ લવ જેહાદી હોવાની શંકા વધુ દૃઢ બની છે.
માંડવી તાલુકાના એક ગામની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ બાદ મુસ્લિમ બનવાની ધમકી આપનાર પુણેના જિયાદ ઉર્ફે સમીર લતીફ શેખ નામના શખસની ચુંગાલમાંથી ભાગીને કિશોરીનો પરિવાર પરત કચ્છ આવી ગયો હતો. આ સમગ્ર મામલે કિશોરીના વાલીઓ દ્વારા રેન્જ સાયબર ક્રાઈમ સેલના પી.આઈ. એલ.પી. બોડાણાને અરજી કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. સરહદી રેન્જ આઈ.જી. ચિરાગ કોરડિયા અને ભુજના પોલીસ અધીક્ષિક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ એસ.સી., એસ.ટી. સેલના નાયબ પોલીસ અધીક્ષક એમ.જે.કિશ્ચયનને તપાસ સોંપવામાં આવી હતી. આ
દરમ્યાન પશ્ચિમ કચ્છ પોલીસે શુક્રવારે પુણેના જિયાદ ઉર્ફે સમીરની વિધિવત્ ધરપકડ કર્યા પછી તેને શનિવારે ભુજની સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો, જેમાં કોર્ટે ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આમ, હાલ આરોપી રિમાન્ડ પર છે. રિમાન્ડ દરમ્યાન પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, જિયાદે પોતાના ફેસબુક એકાઉન્ટમાંથી ૨૮ યુવતીઓને હાયનો મેસેજ લખ્યો હતો. તે ૨૮ પૈકી ૨૨ હિન્દુ તથા ૬ યુવતીઓ ક્રિશ્ચિયન હોવાનું જાણવા મળ્યું હતું. અત્રે નોંધનીય છે કે, આરોપી જિયાદ સાથે પીડિતાએ સંબંધો કાપી નાખીને તે મુંબઈ છોડીને કચ્છ આવી ગઇ હતી. જોકે, તેમ છતાં આરોપીએ બે વાર કચ્છમાં આવીને તેના ઘરને શોધવાનો પ્રયાસ કર્યો હતો.