ગુજરાત સરકારે રાજ્યમાં વહીવટી સરળતા વધારવા અને લોકો સુધી સરકારી સેવાઓ સરળતાથી પહોંચાડવા માટે એક ઐતિહાસિક નિર્ણય લઈને 17 નવા તાલુકાઓની રચનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. બુધવારે (24 સપ્ટેમ્બર) યોજાયેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષસ્થાની કેબિનેટ બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરીને પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી. આ નિર્ણયના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાંથી વાવ–થરાદ નામનો એક નવો જિલ્લો પણ બનાવવામાં આવશે, જેમાં હાલના બનાસકાંઠાના છ તાલુકા – વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણીનો સમાવેશ થશે અને થરાદને જિલ્લાના મુખ્ય મથક તરીકે વિકસાવવામાં આવશે. નવા જિલ્લાની સાથે જ રાજ્યના હાલના 21 તાલુકાઓમાંથી 17 નવા તાલુકાઓની રચના થશે, જેના પરિણામે ગુજરાતમાં તાલુકાઓની સંખ્યા વધીને 265 પર પહોંચી જશે.
રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે આપેલી ATVT (આપણો તાલુકો, વાયબ્રન્ટ તાલુકો) યોજનાની કલ્પનાને આગળ વધારવાનો છે. મોદી સરકારના સમયમાં 2013માં 23 નવા તાલુકાઓ બનાવ્યા પછી પહેલીવાર આટલા મોટા પાયે નવા તાલુકાઓની રચના થઈ રહી છે. તાલુકા એકમોને મજબૂત બનાવવાના હેતુથી લેવાયેલા આ નિર્ણયથી ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોના નાગરિકોને સામાજિક, આર્થિક, આરોગ્ય અને શૈક્ષણિક સેવાઓ નજીકમાં જ ઉપલબ્ધ થશે. અત્યાર સુધી લોકોને સરકારી કામગીરી માટે તાલુકા મથક સુધી લાંબી મુસાફરી કરવી પડતી હતી, પરંતુ હવે નવા તાલુકાઓના કારણે તેમના સમય, નાણાં અને ઊર્જાની મોટી બચત થશે.
નવા તાલુકાઓની રચનાથી હાલના 51 વિકાસશીલ તાલુકાઓમાં 10 તાલુકાનો વધારો થશે અને તાલુકા સ્તરે મળતી વિકાસ ગ્રાન્ટનો લાભ પણ વધશે. સરકાર અનુસાર, નવા જિલ્લા અને તાલુકાઓના નવીન વહીવટી માળખાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, આરોગ્ય સુવિધાઓ, શિક્ષણ વ્યવસ્થા અને નાગરિક સેવાઓમાં ઝડપ આવશે. આ નિર્ણય આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં અમલમાં આવતા નવા તાલુકાઓને પ્રતિનિધિત્વ આપશે, જેથી લોકોની લાંબા સમયથી ચાલી આવતી માંગણીઓ પૂર્ણ થાય. ટૂંક સમયમાં નવા તાલુકા અને નવા જિલ્લાની રચનાનું વિધિવત જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે, જે ગુજરાતને દેશના વિકાસના મોડલ તરીકે વધુ મજબૂત બનાવશે.
હાલના તાલુકામાંથી કયા નવા તાલુકા બન્યા?
જુઓ યાદીઃ
| હાલનો તાલુકો | નવો તાલુકો |
| થરાદ | રાહ |
| સોનગઢ | ઉકાઈ |
| માંડવી | અરેઠ |
| મહુવા | અંબિકા |
| કાંકરેજ | ઓગડ |
| વાવ | ધરણીધર |
| ઝાલોદ | ગુરુ ગોવિંદ લીંબડી |
| જેતપુર પાવી | કદવાલ |
| કપડવંજ અને કઠલાલ | ફાગવેલ |
| ભિલોડા | શામળાજી |
| બાયડ | સાઠંબા |
| સોનગઢ | ઉકાઈ |
| સંતરામપુર અને શહેરા | ગોધર |
| લુણાવાડા | કોઠંબા |
| દેડિયાપાડા | ચીકદા |
| વાપી કપરાડા અને પારડી | નાનાપોઢા |
| દાતા | હડાદ |
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel