સુરતના કતારગામ વિસ્તારમાંથી એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માત્ર 19 વર્ષની ટ્યુશન શિક્ષિકાએ બ્લેકમેલિંગ અને માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો છે. મળતી માહિતી અનુસાર, યુવતી કતારગામ વિસ્તારમાં રહેતી હતી અને બાળકોને ટ્યુશન પાઠવતી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં ખુલાસો કર્યો છે કે યુવતીને કોઈ વિકૃત યુવક સતત પરેશાન કરતો હતો અને તેને કોઈ અંગત બાબતને આધારે બ્લેકમેલ કરી રહ્યો હતો. આના કારણે યુવતી સતત દબાણ અને તણાવ હેઠળ હતી, જેને કારણે તેણે પોતાનું જીવન ટૂંકાવાનો અંતિમ નિર્ણય લીધો.
આ બનાવની જાણ થતાં જ સિંગણપોર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી છે. હાલમાં આ કેસને ગંભીરતાથી લઈ યુવતીના મોબાઇલ ફોન, સામાજિક માધ્યમ પરના મેસેજ અને વાતચીતના રેકોર્ડને આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. બીજી તરફ, સમાજસેવી અને પાટીદાર આગેવાન વિજય માંગુકિયાએ આ ઘટનાને લઈને ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. આ પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે અને તેણે યુવક દ્વારા વારંવાર યુવતીને માનસિક ત્રાસ આપવાનો આરોપ મૂક્યો છે.
પોલીસ દ્વારા હાલ સુસાઇડ નોટ અથવા વીડિયો સામે આવ્યો છે કે નહીં તે અંગે શોધખોળ ચાલુ છે. સમગ્ર ઘટનાએ શહેરમાં ભારે ચિંતા અને આક્રોશનું માહોલ સર્જી દીધો છે. લોકો માંગ કરી રહ્યાં છે કે આવા દુષ્કર્મો કરતા લોકો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે જેથી આવિઘટનાઓ ફરી ન બને.