શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ ગોકુલધામ નારના યજમાન પદે વડતાલ ધામને સથવારે વડતાલ ગોમતી કિનારે પ્રથમવાર ૨૦૦ બ્રહ્મબટુકોને વેદમંત્રોચ્ચાર વચ્ચે યજ્ઞોપવિત સંસ્કાર પ્રદાન કરવામાં આવ્યા હતા. યજ્ઞો પવિત ધારણ કરનાર ૨૦૦ બટુકોને મંચ ઉપર બોલાવી આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે મૂર્તિભેટ આપી તેઓનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે વિદેશથી પધારેલા અતિથિઓનું પણ સન્માન કરાયું હતું. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન દેવપ્રકાશસ્વામી, કોઠારી સંતવલ્લભદાસજીસ્વામીએ સમુહ યજ્ઞોપવિત તથા સમુહલગ્નોત્સવના સેવાયજ્ઞના પ્રણેતા શા.શુકદેવપ્રસાદદાસજી, ધોલેરાના કોઠારી હરિકેશવસ્વામી અને સંતોની સેવાને બિરદાવી હતી. કોઠારી ડો.સંતસ્વામીએ જણાવ્યું હતું કે વડતાલ ધામમાં પ્રથમવાર યોજાયેલો યજ્ઞોપવિત સંસ્કાર વડતાલ માટે સ્મૃતિરૂપ બન્યો હતો.
આ પ્રસંગે ગોકુલધામના નારના પ્રણેતા શા.શુકદેવપ્રસાદદાસજીસ્વામી તથા સેવાસહયોગી પૂ.હરિકેશવસ્વામીએ પોતાની સેવા પ્રવૃત્તિઓ માટે વડતાલને પણ કેન્દ્ર બનાવ્યું છે. આ પ્રસંગે આચાર્ય મહારાજશ્રી પૂ.શા.નૌત્તમપ્રકાશદાસજીસ્વામીએ બટુકોને આર્શિવાદ પાઠવતા જણાવ્યું હતું કે દરેક બટુકોએ આજથી સૂર્યનારાયણને અર્ધ આપવો તથા ગાયત્રીમંત્રની એક માળા દરરોજ કરવી.
આ પ્રસંગે કેન્દ્રીયમંત્રી દેવુસિંહ ચૌહાણ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઇ દેસાઇ વગેરેએ શુકદેવસ્વામીની સેવાપ્રવૃત્તીઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ભગવાનશ્રી સ્વામિનારાયણના સર્વજીવ હિતાવહ સંદેશને લઇ શુકદેવસ્વામી જે સમાજઉપયોગી પ્રવૃત્તીઓ કરે છે તે પ્રશંસનીય અને અભિનંદનીય છે. સાથે સાથે હરિકેશવસ્વામીને પણ ધન્યવાદ પાઠવ્યા હતા. ગોકુલધામ નાર દ્વારા આજ સુધીમાં જરૂરીયાત મંદોને, દિવ્યાંગોને, વિધવા-ત્યકતા બહેનો અને દરીદ્રનારાયણને લાખ્ખો રૂપીયાની વસ્તુઓ અર્પણ થઇ છે. દિવ્યાંગજનોના ઘરસંસાર પણ બંધાવી આપી સરકારની લાભદાયી યોજનામાં સંસ્થા સહભાગી બની છે. અને ગોકુલધામને આંગણે સેવાયજ્ઞની ધુણી ધખતી રહે છે. એ ગોકુલધામની વિશેષતા છે. આ પ્રસંગે આણંદના ધારાસભ્ય, પેટલાદના ધારાસભ્ય, ગુજરાત વિધાનસભાના દંડક ઉપસ્થિત રહી પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)