ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે ૩૮ મી નેશનલ ગેમ્સ અંતર્ગત જીમ્નાસ્ટીક રમતની ટ્રેમ્પોલીન સ્પર્ધા તા. ૨૮ મી જાન્યુઆરીથી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન રમાઈ હતી. જેમાં શ્રી અંબુભાઈ પુરાણી હાઇસ્કુલ વડીયા રાજપીપળાની વિદ્યાર્થીની પ્રિતીબેન મહેશભાઈ વસાવાએ બ્રોન્ઝ મેડલ મેળવી શાળા અને જિલ્લાનું નામ રોશન કર્યું છે.
ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સંચાલિત પુરાણી વ્યાયામ શાળા છોટુભાઈ ડીગ્રી કોલેજમાં કોચ ગૌરીશંકર દવે તેમજ તેજસ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રિતીબેન વસાવાએ તાલીમ મેળવીને ૩૮ માં રાષ્ટ્રીય રમતોમાં ભાગ લઈ જીમ્નાસ્ટીક-ટ્રેમ્પોલીન સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યુ છે.
ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે ૨.૪ કરોડની ગ્રાન્ટ ફાળવીને છોટુભાઈ ડિગ્રી કોલેજ કેમ્પસમાં આવેલ જીમ્નાસ્ટીક હોલ બનાવવામાં આવ્યો છે. જેમાં નર્મદા જિલ્લા સહિત અન્ય વિદ્યાર્થીઓ રાજ્ય અને રાસ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ હાસલ કરી પોતાની કારકિર્દી ઘડી રહ્યા છે. જેનુ આ એક ઉત્તમ ઉદાહરણ ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી પ્રિતીબેન વસાવાએ પુરૂ પાડ્યુ છે. શાળા પરિવાર તેમજ ગુજરાત રાજ્ય વ્યાયામ પ્રચારક મંડળ આ સિધ્ધિ બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.