ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી માતાના મંદિરે રોજબરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે, તો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ માતાના ચરણે ભેટ પણ ધરતા હોય છે, ત્યારે ભક્ત દ્વારા અંબાજી મંદિર માં 1 કિલો સોનું દાનકરાયું છે. ભક્ત દ્વારા અંબાજીમાં સુવર્ણ શિખર માટે અંદાજે 62 લાખનું સોનાની ભેટ અપાઈ છે.
‘અમે દાનવીર વ્યક્તિનું નામ જાહેર કરવા માંગતા નથી’
રાજ્યમાં સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં અવાર-નવાર ભક્તો વિવિધ ભેટો આપતા હોય છે, તો ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખાતા અંબાજી મંદિરના શિખર માટે સોનાની પણ ભેટ આવતી હોય છે, ત્યારે ધોળકાના બદરખા ગામના સંઘ દ્વારા અંબાજી મંદિરને એક કિલો સોનાની ભેટ અપાઈ છે. સંઘના ભક્તે પણ જણાવ્યું કે, અમે અહીં ગત વર્ષે આવ્યા હતા અને નાનું-મોટું દાન કરવાની ઈચ્છા રાખી હતી, ત્યારે અમે અહીં એક કિલો સોનાનું દાન કર્યું છે. ઉપરાંત તેમણે કહ્યું કે, અમે દાનવીર વ્યક્તિનું નામ જાહેર કરવા માંગતા નથી અને અમારે નામ ગુપ્ત રાખવું છે.
અંબાજી લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર
ભારતભરમાં યાત્રાઘામ તરીકે જાણીતું એવું શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર ગુજરાત રાજ્યના બનાસકાંઠા જીલ્લાના દાતા તાલુકામાં આવેલું છે, જે એક પુરાણપ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી તીર્થમાં લાખો ભાવિક ભક્તિનો માતાના દર્શને રોજબરોજ આવતા હોય છે. તેમની સુખ અને સુવિધાઓ જળવાઈ રહે સાથે સાથે માનસિક શાંતિ અને શક્તિ પણ મેળવે તે માટે મંદિરનો જીર્ણોધ્ધાર કરી શિખરની કામગીરી પૂર્ણ કરી સુવર્ણ કળશો પ્રતિષ્ઠિત કરેલ છે. 358 સુવર્ણ કળશ ધરાવતું ભારતભરમાં એક માત્ર શક્તિપીઠ છે. 51 શક્તિપીઠોમાં હૃદયસમુ અંબાજી લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે.