વલસાડની કોર્ટે એક મુસ્લિમ યુવકને ફેસબુક પર હિંદુ દેવતા વિશે અભદ્ર ટિપ્પણી કરવાના ગુનામાં દોષી ઠેરવીને 3 વર્ષની જેલની સજા ફટકારી છે. આ કેસ પાંચ વર્ષ જૂનો છે. આઝાદ રિયાઝુદ્દીન અન્સારી નામના યુવકે 2018માં ગણેશોત્સવ દરમિયાન ફેસબુક પર એક પોસ્ટ કરીને ગણેશજીનું અપમાન કર્યું હતું. જે મામલે પછીથી ફરિયાદ દાખલ થયા બાદ વલસાડમાં જ કેસ નોંધાયો હતો. હવે આ કેસમાં ચુકાદો આવ્યો છે.
ગુનો આચરનાર આઝાદ રિયાઝુદ્દીન અન્સારી વલસાડના શાલીમાર એપાર્ટમેન્ટનો રહેવાસી છે. 34 વર્ષીય આઝાદે 17 સપ્ટેમ્બર, 2018ના રોજ સોશિયલ મીડિયામાં ભગવાન ગણેશજીનો એક આપત્તિજનક ફોટો શૅર કર્યો હતો. આ ફોટા સાથે તેણે હિંદુ આરાધ્ય દેવ વિશે આપત્તિજનક અને અભદ્ર ટિપ્પણીઓ કરતું લખાણ પણ લખ્યું હતું. વાસ્તવમાં તેણે ભગવાન ગણેશજીની પ્રતિમા પર શ્વાન લઘુશંકા કરતો હોય તેવો એડિટેડ ફોટો શૅર કર્યો હતો અને સાથે ‘ગણેશજી કી પૂજા કરતા કુત્તા’ જેવું અભદ્ર લખાણ ઉમેર્યું હતું.
આઝાદ અન્સારીની આ હરકતથી સ્થાનિક હિંદુ સમાજ અને સંગઠનોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી. ભગવાનના અપમાનની ઘટના વલસાડ શહેરમાં સક્રિય ગૌરક્ષક બકુલ રાજગોર, હેમંત ખેરનાર અને સંગઠનના અન્ય કાર્યકર્તાઓના ધ્યાને આવતાં તેમણે તેની દુકાને જઈને વિરોધ નોંધાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન આક્રોશિત હિંદુઓએ ગુનેગાર આઝાદ રિયાઝુદ્દીન અન્સારીને જોડાંનો હાર પહેરાવ્યો હતો અને સરઘસ પણ કાઢ્યું હતું.
પરંતુ આ મામલો આટલે થાળે નહોતો પડ્યો. આઝાદ અન્સારીએ ભગવાન ગણેશજીના કરેલા અપમાન બદલ તેના વિરુદ્ધ પછીથી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવ્યા બાદ વલસાડ સિટી પોલીસે અન્સારી વિરુદ્ધ 18 સપ્ટેમ્બર, 2018ના રોજ IPCની કલમ 153(A), 295(A), 114 અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 67 હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ વલસાડની એડિશનલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ ચાલ્યો ગયો હતો. આ દરમિયાન ચાલેલી તપાસમાં અન્સારીએ કરેલાં કારસ્તાન કોર્ટમાં સાબિત થયાં હતાં. દલીલોને અંતે ન્યાયાલયે પોલીસ ફરિયાદ, સાક્ષીઓ અને પુરાવાઓને ધ્યાને રાખીને આરોપીને ગુનેગાર ઠેરવ્યો હતો.
5 વર્ષ સુધી કોર્ટની કાર્યવાહી ચાલ્યા બાદ આખરે વલસાડની એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે અન્સારીને CrpCની કલમ 248(2) તથા IPCની કલમ 153(A), 295(A) અને IT એક્ટની કલમ 67 હેઠળ દોષી ઠેરવીને 3 વર્ષની સજા ફટકારી હતી. કોર્ટે આ સાથે તેને 50 હજારનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટના આદેશની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.