ભારતની સાગરી સીમાનું રક્ષણ કરતા નૌકાદળ તરફથી કોકણના સિંધુ દુર્ગના દરિયામાં ૪ ડિસેમ્બરે યુદ્ધ-જહાજો ફાઇટર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરોની ભરમાર વચ્ચે નેવી-ડેની ઉજવણી કરીને જોરદાર શક્તિ- પ્રદર્શન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ પ્રસંગે હાજરી આપવાના છે.
દેશમાં સૌ પ્રથમ નૌકાદળ ઉભુ કરનારા મહાન મરાઠા રાજવી છત્રપતિ શિવાજી મહારાજે બાંધેલા સિંધુદુર્ગ કિલ્લાની પાસેના રિયામાં નેવી-ડેની ઉજવણી કરવામાં અત્યાર સુધી કોઇ પણ નૌકામથકની પાસે ઉજવણી થતી હતી, પરંતુ આ વખતે પહેલી જ વાર નૌકા-મથકોથી દૂરના વિસ્તારમાં ઉજવણી થવાની છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના હોવાથી મહારાષ્ટ્ર સરકાર એલર્ટ મોડમાં આવી ગઇ છે. આજે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સિંધુદુર્ગ જઇને પૂર્વ તૈયારીની સમીક્ષા કરી હતી.
માલવણ નજીકના તારકર્લી બીચ ઉપર મુખ્ય મંચ ઉભો કરવામાં આવ્યો છે. આ ઉજવણી કાર્યક્રમમાં ૨૦ યુદ્ધ-જહાજ, ૪૦ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરો શક્તિ- પ્રદર્શન કરશે. હેલિકોપ્ટરો આકાશમાં અવનવા કરતબો દેખાડશે. ઉપરાંત મરીન કમાન્ડો ચાંચિયાઓ પર હુમલો કરીને કેવી રીતે તેમને તાબામાં લે છે અને દરિયાઇ તોફાનમાં કોઇ બોટ કે વહાણ સપડાયું હોય તો કેવી રીતે મદદ કરવામાં આવે છે તેનું ડેમોસ્ટ્રેશન આપવામાં આવશે. ઉપરાંત નેવી- બેન્ડ સુરાવલી રેલાવશે. ત્યારબાદ ઢળતી સાંજે તમામ જહાજો રોશનીથી ઝળહળી ઉઠશે. આજથી માલવણ પાસેના દરિયામાં રિહર્સલની શરૃઆત થઇ ગઇ છે.
નેવી-ડેની ઉજવણીનો ઇતિહાસ
૧૯૭૧માં ભારત- પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વખતે આપણા એરક્રાફ્ટ કેરિયર ‘વિક્રાંત’ની આગેવાનીમાં નેવીના યુદ્ધ-જહાજોએ ‘ઓપરેશન ટ્રાઇડન્ટ’ હેઠળ પાકિસ્તાનના કરાંચી બંદર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પાકિસ્તાન નેવીના કેટલાય જહાજો ડૂબી ગયા હતા અને આખું કરાંચી બંદર ખેદાન- મેદાન થઇ ગયું હતું. આમ ભારતીય નૌકાદળે ચોથી ડિસેમ્બરે કરેલો હુમલો પાકિસ્તાનની હાર માટે નિર્ણાયક સાબીત થયો હતો. ત્યારથી ૪થી ડિસેમ્બરે નેવી-ડેની ઉજવણી થાય છે.