રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદના ચહેરાને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ બાબા બાલકનાથ મુખ્યમંત્રી પદની રેસમાં છે. તેમણે સંસદના સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું હતું ત્યારપછી એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે, પાર્ટી તેમને રાજ્યની કમાન સોંપી શકે છે. સોશિયલ મીડિયા પર તેમને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવવાની પણ માંગ ઉઠી રહી છે. આ બધી ચર્ચાઓ વચ્ચે બાબા બાલકનાથનું નિવેદન સામે આવ્યું છે. તેમણે X પર લખ્યું, મીડિયા અને સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ચર્ચાઓને અવગણો. તેમના નિવેદન બાદ એવું માનવું જોઈએ કે, બાબા બાલકનાથ હવે સીએમની રેસમાં નથી.
શું કહ્યું બાબા બાલકનાથે ?
બાબા બાલકનાથે લખ્યું કે, પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જનતાએ પહેલીવાર સાંસદ અને ધારાસભ્ય બનાવીને દેશની સેવા કરવાની તક આપી. ચૂંટણી પરિણામો આવ્યા પછી મીડિયા અને સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ચર્ચાઓને અવગણો. મારે હજુ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ અનુભવ મેળવવાનો બાકી છે. તમને જણાવી દઈએ કે, બાબા બાલકનાથ અલવરથી ચૂંટણી જીતીને લોકસભા પહોંચ્યા હતા.
पार्टी व प्रधानमंत्री @narendramodi जी के नेतृत्व में जनता-जनार्धन ने पहली बार सांसद व विधायक बना कर राष्ट्रसेवा का अवसर दिया।चुनाव परिणाम आने के बाद से मीडिया व सोशल मीडिया पर चल रही चर्चाओं को नज़र अंदाज़ करें।मुझे अभी प्रधानमंत्री जी के मार्गदर्शन में अनुभव प्राप्त करना है।
— Yogi Balaknath (@MahantBalaknath) December 9, 2023
બાબા બાલકનાથ પણ નાથ સંપ્રદાયના
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જેમ બાબા બાલકનાથ પણ નાથ સંપ્રદાયના છે. યોગી આદિત્યનાથ પોતે તેમના નોમિનેશનમાં હતા અને તેમના માટે ચૂંટણી રેલીઓ પણ યોજી હતી. બાબા બાલકનાથ બાબા મસ્તનાથ યુનિવર્સિટીના ચાન્સેલર છે. તેઓ હિન્દુ ધર્મના નાથ સંપ્રદાયના 8મા મહંત પણ છે. 29 જુલાઈ, 2026ના રોજ મહંત ચાંદનાથે એક સમારોહમાં બાબા બાલકનાથને તેમના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા હતા.
ત્રણ રાજ્યોમાં જીત્યા બાદ બાલકનાથે શું કહ્યું?
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની જીત પર બાબા બાલકનાથે કહ્યું કે, મધ્યપ્રદેશ અને ગુજરાતની જેમ ભાજપ રાજસ્થાનમાં પણ લાંબો સમય રહીને રાજ્યની જનતાની સેવા કરશે. પીએમ સાથે દુનિયાભરના લોકો આવ્યા છે. હું પીએમને ભારતને વિકસિત દેશ બનાવવામાં મદદ કરીશ…હું હંમેશા પાર્ટી માટે કામ કરીશ.
આ તરફ વસુંધરા રાજેનું નામ પણ મુખ્યમંત્રી પદના દાવેદારોમાં છે. તે સક્રિય છે અને ધારાસભ્યોને મળી છે. તે દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી ચૂકી છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પાર્ટી અધ્યક્ષ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે, બેઠકમાં બીજેપી અધ્યક્ષ નડ્ડાએ વસુંધરાને કહ્યું કે રાજસ્થાનમાં સામૂહિક નેતૃત્વમાં આ સફળતા અને જીત પ્રાપ્ત થઈ છે. આ કારણોસર આ સરકારની રૂપરેખામાં પણ પ્રતિબિંબિત થશે. સૂત્રોએ જણાવ્યું કે, આ બેઠક દ્વારા પાર્ટી નેતૃત્વએ વસુંધરાને તેમની ભાવિ ભૂમિકા અંગે સંકેત આપ્યા છે. જો કે તેમને કઈ જવાબદારી મળશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.