કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને 2019ના ઓગસ્ટમાં નાબૂદ કરી હતી. આ પછી જમ્મુ અને કાશ્મીરના પ્રાદેશિક રાજકીય પક્ષ અને અન્યોએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. કલમ 370ને નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી તમામ અરજીઓ પર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડ સહિતના અન્ય ન્યાયાધીશની બનેલી બંધારણીય બેંચે આજે ચુકાદો આપતા કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. સાથોસાથ સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી આગામી સપ્ટેમ્બર 2024 પહેલા યોજવા પણ આદેશ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેસમાં અગાઉ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં મતદાર યાદી તૈયાર છે. સરકાર ચૂંટણી યોજશે. પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવામાં આવશે. ત્યાર બાદ વિધાનસભાની ચૂંટણી યોજાશે.
તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંસદમાં રજૂ કરેલ જમ્મુ કાશ્મીરને લગતા સુધારા વિધેયક સમયે પાકિસ્તાન હસ્તક કાશ્મીર ઉપરાંત કાશ્મીરમાં પંડિત અને અન્યો માટે કેટલીક બેઠકો અનામત રાખવાનો સુધારો કર્યો હતો. જે સંસદમાં પસાર થયો હતો.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
આજે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરનું રાજ્યનો દરજ્જો જલ્દીથી પુનઃસ્થાપિત થવો જોઈએ. જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી માટે વહેલી તકે પગલાં લેવા જોઈએ. ચૂંટણી પંચને નિર્દેશ આપતાં તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર 2024 પહેલા વિધાનસભા ચૂંટણી સુનિશ્ચિત કરવામાં આવે.
છેલ્લે 2014માં યોજાઈ હતી વિધાનસભાની ચૂંટણી
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 5 ઓગસ્ટ, 2019ના રોજ સંસદમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું અને કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી. ત્યારથી જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ નથી. જમ્મુ કાશ્મીર રાજ્યમાં છેલ્લે વિધાનસભાની ચૂંટણી 2014માં યોજાઈ હતી. તત્કાલિન મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના રાજીનામા બાદ જૂન 2018માં રાજ્ય સરકાર પડી ગઈ હતી અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું. આ પછી કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટ 2019માં જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 હટાવી દીધી હતી.
અગાઉ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ શુ કહ્યું હતું
અગાઉ સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર રાજ્યમાં પંચાયત અને કાઉન્સિલની ચૂંટણી પછી જ વિધાનસભાની ચૂંટણીની સંભાવના છે. તુષાર મહેતાએ તે સમયે વધુમાં સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, અંગેનો અંતિમ નિર્ણય રાજ્ય અને કેન્દ્રીય ચૂંટણી પંચે લેવાનો છે. તુષાર મહેતાએ, સુપ્રીમ કોર્ટને કહ્યું કે જમ્મુ કાશ્મીર રાજ્યમાં ત્રણ ચૂંટણી યોજાવી પડે તેમ છે. જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર ત્રિસ્તરીય સરકારની વ્યવસ્થા અમલમાં લાવવામાં આવી છે. જમ્મુ કાશ્મીર રાજ્યમાં સૌ પ્રથમ ચૂંટણી પંચાયતની કરાશે. આ ચૂંટણી બાદ, હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણી યોજવામાં આવશે.