જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો છે. ૩૭૦ હટાવવા સામે સુપ્રીમ કોર્ટમાં ૨૩થી વધુ અરજીઓ થઇ હતી, જેની સતત ૧૬ દિવસ સુધી ચાલેલી સુનાવણી બાદ અંતે સોમવારે ચુકાદો આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્રના નિર્ણયને લીલી ઝંડી આપતા કહ્યું હતું કે આર્ટિકલ ૩૭૦ માત્ર ટુંક સમય માટે જ લાગુ કરાઇ હતી, તેથી તેને રદ કરવાનો નિર્ણય ગેરબંધારણીય છે તેમ ના કહી શકાય. આ સાથે જ સુપ્રીમે અન્ય એક મહત્વનો આદેશ આપતા કહ્યું છે કે જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે અને બને એટલા વહેલા ત્યાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવે.
આર્ટિકલ ૩૭૦ હટાવવાની સાથે જ જમ્મુ કાશ્મીરના બે ભાગ પાડી દેવાયા હતા, જેમાં જમ્મુ કાશ્મીરથી લદ્દાખ ક્ષેત્રને અલગ કરી દેવાયું હતું અને બન્નેને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યા હતા. તેથી સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ હવે જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો પણ પરત મળી જશે. અને ત્યાં અન્ય રાજ્યોની જેમ વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવશે. કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ સુપ્રીમને ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો પાછો આપી દેવામાં આવશે. જ્યારે લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ જ રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે આદેશ આપીએ છીએ કે ચૂંટણી પંચ દ્વારા નવા સિમાંકનના આધારે ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવે. રાજ્યનો દરજ્જો પણ જેટલો શક્ય હોય એટલો વહેલા બહાલ કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડ, ન્યાયાધીશ સંજય કિશન કૌલ, ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ બી. આર. ગવઇ, ન્યાયાધીશ સુર્યકાંતની બંધારણીય બેંચ દ્વારા આર્ટિકલ ૩૭૦ તેમજ જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યના દરજ્જા મામલે સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ આર વેંકટરમણી, સોલિસિટર જનરલ તુષાર મહેતા, વરીષ્ઠ વકીલ હરિશ સાલ્વે, રાકેશ દ્વિવેદી, વી ગીરી વગેરે દ્વારા દલિલો કરવામાં આવી હતી. જેમાં આ તમામે આર્ટિકલ ૩૭૦ રદ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવીને કેન્દ્ર સરકારનો બચાવ કર્યો હતો. જ્યારે અરજદારો વતી વરીષ્ઠ વકીલ કપિલ સિબલ, ગોપાલ સુબ્રમણ્યમ, રાજીવ ધવન, ઝફર શાહ, દુષ્યંત દવે દ્વારા દલીલો કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે અન્ય એક મહત્વનો આદેશ જમ્મુ કાશ્મીરમાં થયેલી માનવ અધિકારો સામેની હિંસાને લઇને આપ્યો છે. સુપ્રીમના ન્યાયાધીશ કૌલે કહ્યું હતું કે ૧૯૮૦થી જમ્મુ કાશ્મીરમાં માનવ અધિકારોનો ભંગ કરતી જે પણ હિંસાની ઘટનાઓ બની છે તેની તપાસ માટે ટ્રુથ એન્ડ રિકન્સિલીએશન કમિટીની રચના કરવામાં આવે. આ કમિટી પોતાનો રિપોર્ટ તૈયાર કરીને સુપ્રીમ કોર્ટને સોપશે. આર્ટિકલ ૩૭૦ને રદ કરવાના નિર્ણય સાથે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સહિત પાંચેય ન્યાયાધીશ સહમત થયા હતા. જોકે સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બેંચમાંથી બે ન્યાયાધીશોએ અલગથી ચુકાદો આપ્યો હતો, જેમાં ન્યાયાધીશ કૌલે પોતાના ચુકાદામાં આ માનવ અધિકારો સામે થયેલી હિંસાની તપાસ માટે ભલામણ કરી હતી.
370ના ચુકાદામાં સુપ્રીમનું મહત્વનું અવલોકન
- રાજ્યમાં યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને માત્ર થોડા સમય માટે જ આર્ટિકલ ૩૭૦ લાગુ કરાઇ હતી
- ૩૭૦ રદ થયા બાદ જમ્મુ કાશ્મીરનું પોતાનું બંધારણ કોઇ મહત્વ નથી ધરાવતું
- જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન અંગ હોવાથી ત્યાં દેશના બંધારણની તમામ જોગવાઇઓ લાગુ રહેશે.
- લદ્દાખને અલગ કરીને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવાના નિર્ણયને અમે યોગ્ય ઠેરવીએ છીએ
- જમ્મુ કાશ્મીરને તેનો પૂર્ણ રાજ્યનો દરજ્જો પાછો આપવામાં આવે અને આગામી વર્ષે ચૂંટણી યોજવામાં આવે.જમ્મુ કાશ્મીરમાં ૨૦૧૮માં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાના નિર્ણયને પડકારાયો ન હોવાથી તે અંગે કોઇ ચુકાદો નહીં આપીએ.
- બંધારણના આર્ટિકલ ૩૫૬ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું તે બાદ કેન્દ્રએ અનેક નિર્ણયો લીધા, કેન્દ્રના દરેક નિર્ણયોને ના પડકારી શકાય.
- બંધારણીય સત્તા હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા આર્ટિકલ ૩૭૦ને રદ કરવાનો નિર્ણય યોગ્ય.
- જમ્મુ કાશ્મીરના તત્કાલીન મહારાજા હરિસિંહે પણ પોતાના ઘોષણાપત્રમાં કહ્યું હતું કે ભારતનું બંધારણ જમ્મુ કાશ્મીરમાં લાગુ પડશે.
- કાશ્મીરના નેતાઓએ તસવીરો જાહેર કરી
- 370ના ચુકાદા પહેલા અમને નજર કેદ કરાયા : મહેબુબા-અબ્દુલ્લા
એલજી મનોજ સિહાએ દાવા ખોટા ગણાવ્યા
જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦ રદ કરવાના કેન્દ્રના નિર્ણયને સુપ્રીમે યોગ્ય ઠેરવ્યો છે. આ સ્થિતિ વચ્ચે જમ્મુ કાશ્મીરના નેતાઓએ દાવો કર્યો છે કે અમને નજરકેદ કરવામાં આવ્યા છે. અમારા ઘરની બહાર લોક મારી દેવાયા છે. જ્યારે આ દાવાને ઉપરાજ્યપાલે જુઠા ગણાવ્યા હતા. સુપ્રીમના ચુકાદા પહેલા જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટ ૩૭૦ મુદ્દે ચુકાદો આપે તે પહેલા જ પોલીસે મહેબુબા મુફ્તિના ઘરની બહાર તાળા મારી દીધા હતા અને તેને સીલ કરી દેવામાં આવ્યું હતું. મહેબુબાને નજર કેદ કરી લેવાયા હતા. સાથે જ નેતાઓએ પોતાને નજર કેદ કરી લેવાયા હોવાના દાવાની સાથે લોક કરાયેલા દરવાજાની તસવીરો પણ જાહેર કરી હતી. આ દાવાને જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જુઠા ગણાવ્યા હતા.