મોદી સરકારના વર્ષ ૨૦૧૯ની પાંચમી ઑગસ્ટે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરવાના નિર્ણયને ચાર વર્ષ પછી સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો છે ત્યારે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, બ્રહ્માંડની કોઈપણ શક્તિ હવે જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ પાછી લાવી શકશે નહીં. આ કલમ દૂર કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટનું સમર્થન મળી ગયું છે. વધુમાં તેમણે નવા સંસદ ભવન પર સ્મોક એટેકને રાષ્ટ્રીય સુરક્ષાની બાબત ગણાવતા કહ્યું કે આ ઘટનાની ગંભીરતાપૂર્વક તપાસ થવી જોઈએ..
સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ ૩૭૦ દૂર કરવાની રાષ્ટ્રપતિની સત્તા યોગ્ય ઠરાવતા સરકારના જમ્મુ-કાશ્મીર અંગે વર્ષ ૨૦૧૯ની ૬ઠ્ઠી ઓગસ્ટે લેવાયેલા નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટના આ ચૂકાદાને આવકાર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, બ્રહ્માંડની કોઈપણ તાકાત હવે ઓગસ્ટ ૨૦૧૯ના નિર્ણયને ફેરવી નહીં શકે. આ સાથે તેમણે લોકોને ખાસ કરીને વિપક્ષોને કલમ ૩૭૦ના મુદ્દાના રાજનીતિકરણ કરવા સામે ચેતવણી પણ આપી હતી. તેમણે કહ્યું કે બ્રહ્માંડની કોઈ તાકાત જમ્મુ-કાશ્મીરમાં કલમ૩૭૦ પાછી લાવી શકશે નહીં, તેની પાછળ પડવાને બદલે કશા સકારાત્મક કાર્યમાં જોડાવાની પણ તેઓએ તેમને સલાહ આપી હતી.
તેઓએ વધુમાં કહ્યું આ જમ્મુ અને કાશ્મીરમાં અને લદ્દાખમાં રહેતાં આપણા ભાઈઓ અને બહેનો માટે આશા, પ્રગતિ અને એકતાની શાનદાર ઘોષણા છે. આ માત્ર કાનૂની દસ્તાવેજ જ નથી, પરંતુ સશક્ત અને એક જૂથ ભારતનાં નિર્માણનો આપણો સામુહિક સંકલ્પ દર્શાવે છે. તેઓએ તેમના ટ પોસ્ટ પર વધુમાં કહ્યું, ન્યાયાલયે પોતાના ગહન વિવેક દ્વારા, એકતા અને તેના સારને મજબૂત કર્યો છે.
આ સાથે જમ્મુ અને કાશ્મીરના તેમજ લદ્દાખના લોકોને આશ્વાસન આપતા તેમણે જણાવ્યું કે, તમારા સ્વપ્નો પૂરા કરવાની સરકારની પ્રતિબદ્ધતા અતૂટ છે. અમે તે નિશ્ચિત કરવા માટે દ્રઢ સંકલ્પ છીએ કે પ્રગતિનાં ફળ માત્ર તમારી સુધી જ ન પહોંચે પરંતુ સમાજના સૌથી નિર્બળ અને હાંસિયામાં રહેલા લોકો સુધી પહોંચે કે જેઓ અનુચ્છેદ ૩૭૦ને લીધે પીડિત હતા. આ સાથે જમ્મુ અને કાશ્મીરમાં ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં ચૂંટણી યોજવાના સુપ્રીમ કોર્ટના આદેશને પણ વડાપ્રધાને આવકાર્યો હતો.
દરમિયાન સંસદની સુરક્ષાનો ભંગ કરી સ્મોક એટેક કરવાની ઘટનામાં પ્રતિક્રિયા આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે, આ રાષ્ટ્રીય સુરક્ષાનો ગંભીર મુદ્દો છે. તેમણે આ મુદ્દાનું રાજકારણ કરવા સામે રાજકીય પક્ષોને ચેતવણી પણ આપી હતી. તેમણે આ બાબતે વરિષ્ઠ મંત્રીઓને લોકસભામાં સુરક્ષા ભંગને ગંભીરતાથી લેવા નિર્દેશ આપ્યા છે. સરકારે સંસદની સુરક્ષાની સંભવિત ખામીઓની તપાસ માટે એક પેનલ બનાવી છે. આ સમિતિ સુનિશ્ચિત કરશે કે આવી ઘટના ફરી ના થાય.