સંસદની સુરક્ષામાં ચૂક મામલે વિપક્ષોએ હંગામો કરતા લોકસભા સ્પીકરે વધુ ત્રણ સાંસદોને સસ્પેન્ડ કર્યા છે. આ સાથે સસ્પેન્ડ કરાયેલા સાંસદોની સંખ્યા 146 પર પહોંચી ગઈ છે. આ પહેલા ગઈકાલે બે સાંસદોને સદનની અવમાનના મામલે સંસદ સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરી દીધા હતા.
Three more Congress MPs including DK Suresh, Nakul Nath and Deepak Baij suspended from the Lok Sabha.
— ANI (@ANI) December 21, 2023
ગઈકાલે બે સાસંદોને સસ્પેન્ડ કરી દીધા હતા
સંસદમાં શીયાળુ સત્ર ચાલી રહ્યું છે, વિપક્ષે સંસદની સુરક્ષાની ખામીનો મામલો ઉગ્ર સ્વરુપે ઉઠાવ્યો છે અને આ આ મુદ્દે સંસદના બન્ને ગૃહમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે ત્યારે લોકસભામાં ભારે હંગામા વચ્ચે સસ્પેન્શનની કાર્યવાહી આજે પણ ચાલુ રહી હતી જેમાં લોકસભામાના વધુ ત્રણ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં નકુલનાથ, ડીકે સુરેશ, દીપક બૈજનો સમાવેશ થાય છે. આ પહેલા ગઈકાલે બે સાંસદો સી થોમસ અને એએમ આરિફને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને અગાઉ મંગળવારે પણ લોકસભામાંથી એક સાથે 49 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
શું કહ્યું ઓમ બિરલાએ?
લોકસભામાં હોબાળો અને સૂત્રોચ્ચાર કરતા વિરોધ પક્ષના સાંસદોને સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે હું ક્યારેય પણ કોઈ સભ્યને કોઈ કારણ વગર સસ્પેન્ડ કરવા માંગતો નથી. તેમને લોકોએ ચૂંટ્યા છે અને તમને તમારી વાત રાખવાનો અને વાત કરવાનો અધિકાર છે. તમે લોકો તમારી સીટ પર જાઓ હું તમને શૂન્યકાળ દરમિયાન તમારા વિચારો રજૂ કરવાની તક આપીશ.
સાંસદોને સસ્પેન્ડ કરવાની શરુઆત 14 ડિસેમ્બરથી થઈ હતી
સાંસદોને સસ્પેન્ડ કરવાની શરુઆત 14 ડિસેમ્બરથી થઈ હતી, જ્યારે વિરોધ પક્ષોના સાંસદોએ સંસદની સુરક્ષામાં ચૂકને લઈને ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગ કરી હતી. 13 ડિસેમ્બરની બપોરે સંસદની સુરક્ષામાં એક મોટી ચૂક થતા લોકસભામાં બે યુવકોએ પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદીને વેલ સુધી પહોંચી ગયા હતા અને તેમણે સ્મોક કેન વડે સંસદમાં પીળા રંગનો ધુમાડો કર્યો હતો. આ મામલે અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.