લોકસભા ચૂંટણીની જાહેરાતને આડે હવે માંડ ૧૦૦ દિવસ બાકી રહ્યા છે ત્યારે ગુજરાત ભાજપે તેની તૈયારીઓ શરૂ કરી છે. શુક્રવારે પ્રદેશ કારોબારીને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટિલે ૨૬માંથી ૨૬ બેઠકો પાંચ લાખથી વધુની લીડથી જીતવા રાજ્યમાં જે બૂથ માઈનસમાં છે, ભાજપની વિરોધમાં મત પડી રહ્યા છે તેને સરપ્લસ કરવા વ્યુહાત્મક રીતે આગળ વધવા આદેશ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, શુક્રવારે પ્રદેશ ભાજપની કારોબારી બાદ શનિવારે પ્રદેશ હોદ્દેદારોની બેઠક મળશે. ભાજપના અભ્યાસ મુજબ વિતેલી ત્રણેક ચૂંટણીઓમાં ૧૨ હજાર બૂથમાં કોંગ્રેસ સહિત વિપક્ષ કે હરીફ ઉમેદવારોની તરફેણમાં મતદાન થઈ રહ્યું છે.
પાટિલે પ્રદેશ કારોબારીના સભ્યોને લાભાર્થીઓની યાદી સુધી પહોંચવા કલેક્ટર પાસેથી યાદી મેળવવા સુચવ્યું હતું. તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૨૨ની ચૂંટણીમાં જ્યાં ઓછા મત પડ્યા છે ત્યાં વધારવાના છે. જેના માટે પેજ સમિતિના કાર્યકરોની મદદથી સૌએ કામ કરવું. જાન્યુઆરીમાં આખરી મતદાર યાદી જાહેર થયા પછી નવા મતદારો સુધી પહોંચવા પણ તેમણે જણાવ્યું હતું. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભાર્થીઓ સુધી પહોંચવું ખાસ જરૂરી હોવાનું કહેતા દરેક પેજ ઉપર બાવનથી વધુ લાભાર્થીઓ હોવાનું જણાવ્યું હતું. પાટિલે કહ્યું કે, દરેક ૧૦માંથી ચાર મતદાર સરકારી યોજનાઓના લાભાર્થી કે ભાજપના મતદાર હોઈ શકે છે.