આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ (AI ) પોતાનો પ્રસ્તાર રાતે ન વધારે એટલે દિવસે અને દિવસે ન વધારે એટલો રાતે વધારી રહ્યો છે. આ જિદ્દી ટેકનોલોજીના પ્રસ્તારમાં કળા ને કલાકારો પણ આવી ગયા. લેખકોને એક કાયમી સમસ્યા હોય છે: રાઇટર્સ બ્લોક. નવલકથા, વાર્તા, નાટક કે એવું કંઈ પણ લખતા હોય ત્યાં અધવચ્ચે ક્રિયેટિવિટી કામ કરતી અટકી જાય. આગળ શું લખવું એ સૂઝે નહીં. કંઈક નવું લખાણ શરૂ કરવું હોય ત્યારે પણ રાઇટર્સ બ્લોક નડી શકે. આવી સ્થિતિમાં સહેજે થાય કે કોઈની જાણકાર માણસ સાથે ચર્ચા કરવી જોઈએ, બ્રેઇન સ્ટોર્મિંગ કરવું જોઈએ કે જેથી કહાણીમાં આગળ કેવો વળાંક લેવો, કેવી ઘટનાઓ પેદા કરવી એની કંઈક સમજ પડે. આવા કિંકર્તવ્યમૂઢ લેખકોની મદદ કરવા માટે નામનું Shortly નામનું આર્ટિફિશિયલી ઇન્ટેલિજન્ટ રાઇટિંગ ટૂલ આવી ગયું છે.
તમે Shortly પર જાઓ એટલે સૌથી પહેલાં તો તમને પૂછવામાં આવે: તમે ફિક્શન લખી રહ્યા છો કે નોન-ફિક્શન? ધારો કે તમે ફિક્શન પર ક્લિક કરો છો. હવે એટલે તમને પૂછવામાં આવે કે તમારી વાર્તાનું ટાઇટલ જો આપ્યું હોય તો અહીં ટાઇપ કરો, તમે શું લખવા ધારો છો તે ટાઇપ કરો. ધારો કે તમે ચંગુ અને ચમેલીની લવસ્ટોરી લખવાનું ઓલરેડી શરૂ કરી દીધું છે. તમારે તે લખાણ સ્ક્રીન પર ચિપકાવી દેવાનું અને પ્રોમ્પ્ટ પર ક્લિક કરવાનું. ઘડીના છઠ્ઠા ભાગમાં સ્ક્રીન પર પટ્ પટ્ પટ્ કરતા નવા વાક્યો ને ફકરા ઊપસવા માંડશે. એક કે બે સેકન્ડમાં જ આ આર્ટિફિશિયલી ઇન્ટેલિજન્ટ પ્લેટફોર્મે તમારી વાર્તા સમજી લીધી, તમારાં પાત્રો-માહોલ-સંવાદોની શૈલી સમજી લીધાં ને આ બધાને ધ્યાનમાં રાખીને તમે જ્યાં અટકી પડયા હતા તે બિંદુથી આગળની વાર્તા લખવાની પણ શરૂ કરી દીધી!
અલબત્ત, જરૂરી નથી કે Shortly તમને જે સૂઝાડે તે તમને પસંદ પડે જ. તમે વાર્તાના એન્ડમાં ચંગુ અને ચમલીનાં લગ્ન કરાવવાં માગતા હો, પણ શક્ય છે કે Shortly બન્નેનું બ્રેક-અપ કરાવી દે. યાદ રહે, Shortly જે કરે છે તે કેવળ એક સૂચન છે. તમે આ સૂચન રિજેક્ટ કરો એટલે Shortly તમારી વાર્તાને જુદી રીતે આગળ વધારશે.
સહેજે સવાલ થાય કે તો પછી આપણે કશું લખવાની જરૂર જ શું છે? ભલેને Shortly જ આખેઆખી વાર્તા લખી નાખે. ના, આવી કામચોરી કરવાની નથી. Shortlyનો ઉપયોગ એક આસિસ્ટન્ટ તરીકે કરવાનો છે. શક્ય છે કે Shortly જે રીતે વાર્તાને આગળ વધારવાની કોશિશ કરે છે તેના આધારે તમારા ચિત્તમાં કંઈ જુદા જ વિચારનો તણખો પ્રગટે, તમને કંઈક એવી શક્યતા દેખાય જેના વિશે તમે અત્યાર સુધી વિચાર સુધ્ધાં નહોતો કર્યો ને તમારૃં દિમાગ તે દિશામાં દોડવા માંડે. Shortlyને કારણે તમારો રાઇટર્સ બ્લોક સંભવત: ઓગળવા માંડશે અને તમારી કલમ, સોરી, કીબોર્ડ ટક-ટક-ટક કરતું ચાલવા લાગશે. ઓગસ્ટ ૨૦૨૦માં વોન્ચ થયેલું Shortly મુખ્યત્ત્વે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ (એનએલપી) અને મશીન લર્નિંગનો ભરપૂર ઉપયોગ કરે છે. આ એક પેઇડ પ્લેટફોર્મ છે. તેનો ઉપયોગ કરવા માટે અત્યારે મહિને ૬૫થી ૮૦ ડોલર ખર્ચવા પડે છે.
આ પ્રકારનાં રાઇટિંગ ટૂલ્સ આવ્યા છે ત્યારથી એડવર્ટાઇઝિંગ એજન્સીઓ અને કમર્શિયલ રાઇટિંગ કરતા કંપનીઓને મોજ પડી ગઈ છે. ખાસ તેમને ધ્યાનમાં રાખીને Copy AI નામનું રાઇટિંગ ટૂલ પ્રોડક્ટનું વર્ણન, કોપી રાઇટિંગ, ઇમેઇલની સબ્જેક્ટ લાઇન વગેરે લખવામાં મદદ કરે છે. Jasper AI નામનું ઓર એક રાઇટિંગ ટૂલ Shortly કરતાં વધારે ફિચર્સ ધરાવે છે અને તે પચ્ચીસ ભાષાઓમાં ઉપલબ્ધ છે. (ના, આ પચ્ચીસ ભાષાઓના લિસ્ટમાં ગુજરાતી અને હિન્દી સ્થાન પામતી નથી.) Rytr નામનું રાઇટિંગ ટૂલ પણ ખૂબ બધી ભાષાઓમાં ઓપરેટ કરી શકાય છે. Wattpad અને Royal Road ઇર્ચગ એવાં પ્લેટફોર્મ્સ છે, જેના પર લેખકો પોતાની લખાઈ રહેલી કૃતિને શેર કરી શકે અને એમને રિઅલ ટાઇમમાં અભિપ્રાય મળતો રહે.
અહીં એ કહેવાની જરૂર ખરી કે આ પ્રકારની મદદ સાથે લખાતી કૃતિઓ સાધારણ કક્ષાની હોવાની? આ ટૂલ્સ પાસેથી સાહિત્યના ઉચ્ચતમ ગુણવત્તાની અપેક્ષા નહીં રાખવાની.
સંગીતના ઘણા પ્રકારો છે અને હવે એમાં એક નવોનક્કોર પ્રકાર ઉમેરાઈ ગયો છે: AI -જનરેટેડ મ્યુઝિક! AI ના પ્રતાપે હવે મશીનો પોતાની મેળે જે રીતે મ્યુઝિકલ કંપોઝિશન તૈયાર લાગ્યાં છે તે સાંભળીને નવાઈનો પાર રહેતો નથી. નિર્જીવ કમ્પ્યુટર સંગીતનુ સર્જન કેવી રીતે કરી નાખે છે? જવાબ છે, માણસોએ સર્જેલું સંગીત – કે જે ઓલરેડી અસ્તિત્ત્વમાં છે – તેનો વિરાટ જથ્થો કમ્પ્યુટરને ‘ખવડાવવામાં’ આવે છે. મશીન લર્નિંગનો ઉપયોગ કરીને આ સંગીતનું વિશ્લેષણ અને અભ્યાસ થાય છે, જુદી જુદી પેટર્ન્સ અને સ્ટ્રક્ચર્સ આઇડેન્ટિફાય કરવામાં આવે છે. એના આધારે પછી મશીન પોતાની રીતે નવા સંગીતનું સર્જન કરે છે. ના, AI -જનરેટેડ સંગીત એટલે માત્ર સૂર અને તાલનું રેન્ડમ કલેક્શન નહીં, પણ વ્યવસ્થિતપણે મ્યુઝિકલ અરેન્જમેન્ટ ધરાવતી સંગીતમય રચના. મેલડી, હાર્મની, રિધમ, ટેમ્પો અને ઇમોશનલ ટોનનું એમાં બરાબર કોમ્બિનેશન થયું હોય. ક્યારેક તો AI -જનરેટેડ મ્યુઝિક એટલું કમાલનું હોય છે કે આપણે કલ્પના પણ ન કરી શકીએ કે આ મ્યુઝિક કોઈ માણસે નહીં, પણ મશીને બનાવ્યું છે.
એક ઉદાહરણ લઈએ. કમ્પ્યુટરમાં સ્વર્ગસ્થ આર.ડી. બર્મનનાં તમામ ગીતો ફીડ કરવામાં આવે તો AI ટૂલ તેનો અભ્યાસ કરીને સમજી લે કે આર.ડી. બર્મનની સ્ટાઇલ કેવી હતી, તેઓ કયા મૂડ માટે કેવું ગીત કેવી રીતે કંપોઝ કરતા હતા, તેમના ફેવરિટ વાદ્યો કયાં હતાં, વગેરે. પછી AI મ્યુઝિકલ ટૂલને જો આદેશ આપવામાં આવે કે આ લે નવા ગીતના શબ્દો ને આ લે સિચ્યુએશન, હવે બનાવી નાખ એક આર.ડી. બર્મનનું એક નવુંનક્કોર, ઓરિજિનલ કંપોઝિશન. હા, ગાયક કિશોરકુમાર છે. શક્ય છે કે AI ટૂલ બર્મનદાની સ્ટાઇલમાં એવું અફલાતૂન ગીત તૈયાર કરી આપે કે ખુદ આર.ડી. તે સાંભળે તો તેઓ પણ હેરત પામી જાય. એમને થાય: મારું બેટું, આ ગીત મેં ક્યારે બનાવ્યું?
સમર્થકો કહે છે કે આ તો અદભુત ટેકનોલોજી છે. AI -જનરેટેડ મ્યુઝિક સંગીતકારોના ઉત્તમ આસિસ્ટન્ટ બની શકે છે.
આ પ્રકારનું કામ કરતાં ઘણાં ટૂલ્સ માર્કેટમાં આવી ગયાં છે. જેમ કે AI ફછ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ચ્યુઅલ આર્ટિસ્ટ), જે ક્લાસિકલ મ્યુઝિક, ફિલ્મ સંગીત, પોપ સોંગ્સ વગેરે ક્રિયેટ કરી શકે છે. કેટલાય કમર્શિયલ પ્રોજકેટ્સમાં તેનો ઉપયોગ ઓલરેડી થવા લાગ્યો છે. બીજું છે, પેરિસની સોની કમ્પ્યુટર સાયન્સ લેબોરેટરીએ તૈયાર કરેલું ‘ફ્લો મશીન્સ’. આ ટૂલનો ઉપયોગ કરીને ‘હેલો વર્લ્ડ’ નામનું આખેઆખું મ્યુઝિક આલ્બમ બહાર પાડવામાં આવ્યું છે. એનાં ગીતો પણ માણસોએ નહીં, AI એ લખ્યાં છે. ‘ધ એન્ડલેસ AI કમ્પોઝર’ નામનું ટૂલ રીઅલ ટાઇમમાં મ્યુઝિક તૈયાર કરે છે. તમે તેની સાથે ઇન્ટરેક્ટ કરી શકો છો અને ટેમ્પો, સ્ટાઇલ વગેરેમાં ઊભાઊભ ફેરફાર કરાવતાં જઈ શકો છો.
આ વાત જેટલી રોમાંચક લાગે છે તેટલી ડરામણી પણ છે. ટીકાકારો કહે છે કે મશીન એટલે મશીન, માણસ એટલે માણસ. મશીન પાસેથી તમે સંગીતકારોમાં હોય એવી લાગણીઓનું ઊંડાણ ક્યાંથી લાગશો? વળી, કમ્પ્યુટર જ સંગીત સર્જી નાખતું હોય તો સંગીતકારો, સાંજિંદાઓ, મ્યુઝિક સ્ટુડિયો, ટેકનિશિયનો વગેરેની જરૂર ક્યાં બચી? રાગ-રાગિણી શીખવામાં કે જાતજાતનાં વાદ્યો શીખવામાં કલાકારો વર્ષોનાં વર્ષો વીતાવે છે, કઠિન સાધના કરે છે, તેનું શું? AI -જનરેટેડ મ્યુઝિક શું આ બધાને અપ્રસ્તુત, નકામા કરી મૂકશે? સંગીત, લેખન, ચિત્રકળા, અભિનય… આ તમામ કળાઓ તો માનવીય સંવેદનાની સુંદરતમ અભિવ્યક્તિઓ છે. શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કળાઓનું અમાનવીયકરણ કરી નાખશે? સર્જકતા અને સાધનાનું સ્થાન શું આલ્ગોરિધમ અને ઓટોમેશન લઈ લેશે? પદ્ધતિસર સંગીત શીખ્યા વિના માત્ર AI શીખી લઈને કોઈ પણ માણલ ભવિષ્યમાં સંગીતકાર બની જશે! અહીં કોપીરાઇટના ઇશ્યુઝ પણ ખૂબ થવાના છે.
સો વાતની એક વાત એટલી જ કે કળામાં જે ઉત્કૃષ્ટ, શ્રેષ્ઠતમ અને નાવન્યસભર છે તેનો દબદબો હંમેશા રહેવાનો. બાકી નિમ્નસ્તરીય કે મીડિયોકર કળાકારોએ AI ના ફટકા માટે તૈયાર રહેવાનું.