માલદીવના ત્ર્રણ મંત્રીઓ દ્વારા પીએમ મોદી અંગે અપમાનજનક ટિપ્પણી બાદ ભારતમાં સોશિયલ મીડિયા પર માલદીવ વિરુદ્ધ ઉગ્ર અસંતોષ સર્જાયો હતો. જેના કારણે મોટી સંખ્યામાં લોકોએ માલદીવની હોટેલ, રિસોર્ટનું બુકિંગ કેન્સલ કર્યું હતું.
હાલ ચીનનો પ્રવાસ કરી રહેલા માલદીવના પ્રમુખ મુઈઝુએ મંગળવારે ફુજિયન પ્રાંતમાં માલદીવ બિઝનેસ ફોરમને સંબોધિત કરતા ચીનને માલદીવનો સૌથી નજીકનો સાથી ગણાવ્યો હતો. તેમણે 2014માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા શરૂ કરાયેલા બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ (BRI) પ્રોજેક્ટ્સની પ્રશંસા કરી હતી. સાથે જ તેમણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ મોકલવા માટે ચીનને અપીલ કરી હતી.
તેમણે કહ્યું હતું કે કોવિડ પહેલા ચીન અમારું નંબર વન માર્કેટ હતું. અને મારી વિનંતી છે કે અમે ચીનને આ સ્થાન પાછું મેળવવા માટેના પ્રયત્નોને વધુ તીવ્ર બનાવે. મુઈઝુએ માલદીવ ઈન્વેસ્ટમેન્ટ ફોરમમાં 11 પ્રોજેક્ટ માટે ચીની કંપનીઓ પાસેથી રોકાણ પણ માંગ્યું હતું.
ચીન-માલદીવ વચ્ચે 50 મિલિયન ડૉલરના કરાર
માલદીવના માધ્યમોના અહેવાલ અનુસાર ચીન અને માલદીવ વચ્ચે પ્રવાસન ક્ષેત્રોના વિકાસ માટે 50 મિલિયન ડૉલરના કરાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લક્ષદ્વીપના પ્રવાસ બાદ ભારતમાં માલદીવનો બોયકોટ કરવાની ઑનલાઇન ઝુંબેશ તેજ થઈ હતી. સંખ્યાબંધ હસ્તીઓ તથા ફિલ્મ સ્ટાર્સે પણ લક્ષદ્વીપને પ્રમોટ કર્યું હતું. દરમિયાન માલદીવમાં પ્રમુખ મુઈઝુ વિરુદ્ધ સ્થાનિક સ્તરે વિરોધ શરૂ થયો છે.