કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રને પાકિસ્તાન આધારિત અલગતાવાદી સંગઠન તહરીક-એ-હુર્રિયત અને મુસ્લિમ લીગની બધી જ સંપત્તિઓને જપ્ત કરવાનો નિર્દેશ કર્યો છે. સાથે જ તેનાં બેંક એકાઉન્ટ અને નાણાકીય વ્યવહારોને પણ ફ્રીઝ કરી દેવાશે. સરકારે તાજેતરમાં જ આ બંને સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બે જાહેરનામાં પ્રસિદ્ધ કર્યા છે, જેમાં મુસ્લિમ લીગ (મસરત આલમ જૂથ)ને ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાયતી અધિનિયમ – ૧૯૬૭ (યુએપીએ) હેઠળ ૨૭ ડિસેમ્બરે અને તહરીક-એ-હુર્રિયતને આ જ કાયદા હેઠળ ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ પ્રતિબંધિત જાહેર કર્યા હતાં. હવે સરકારે આ બંને સંગઠનોની સંપત્તિ જપ્ત કરવાનો નિર્દેશ કર્યો છે. ગુરુવારે પ્રસિદ્ધ થયેલા જાહેરનામા અનુસાર, યુએપીએની કલમોમાં સંપત્તિ જપ્ત કરવાનું કાર્ય રાજ્ય સરકાર કરશે. યુએપીએની કલમ સાત ગેરકાયદે સંગઠન દ્વારા ધનના ઉપયોગને પ્રતિબંધિત કરવા અને કલમ આઠ ગેરકાયદે સંગઠન દ્વારા ઉપયોગમાં લેવાનારાં સ્થળોને નોટિફાય કરવા સંબંધિત છે.