ભાજપ છેલ્લા બે-અઢી મહિનાથી વિપક્ષી એક્તા વિરુદ્ધ જે મનોવૈજ્ઞાનિક યુદ્ધ ચલાવી રહી હતી, તેમાં તે લગભગ સફળ થઈ ગઈ છે. આ યુદ્ધના બે લક્ષ્ય હતા. પ્રથમ બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટકને ફરી એકવાર પોતાના માટે 95થી 100 ટકા સ્ટ્રાઈક રેટ પૂરા પાડતા રાજ્યોમાં સામેલ કરવા અને યુપીમાં માયાવતીને ઈન્ડિયા ગઠબંધનમાં જતાં અટકાવવાં. બીજું લક્ષ્ય, આ પ્રક્રિયામાં આ ગઠબંધનની પ્રતિષ્ઠાનો નાશ કરી દેવો. બંને લક્ષ્ય માટે જે ઘાત-પ્રતિઘાત કરાયા. તેમાં સૌથી રસપ્રદ નમૂનો બિહારમાં જોઈ શકાય છે.
ભાજપના રણનીતિકારોનું માનવું હતું કે, નીતીશને ફરીથી એનડીએમાં ખેંચી લેવાયા તો મહાગઠબંધન તૂટી જશે અને તે 2019ની જેમ ફરીએક વાર બિહારની બધી જ સીટો જીતવાની સ્થિતિમાં પહોંચી જશે. અંતે 2022થી નીતીશના પ્રયાસો દ્વારા જ બિન—ભાજપ વિપક્ષનું ગઠબંધન બન્યું હતું. તેમના ભાજપ સાથે જોડાઈ જવાથી દેશમાં એવો સંદેશો જવાનો છે કે, આ વખતે પણ વિપક્ષી એક્તા નરેન્દ્ર મોદીને કોઈ મોટો પડકાર આપી શકશે નહીં. જેના માટે છેલ્લા બે-અઢી મહિનાથી બે પ્રકારની ચાલ ચાલતી હતી. પ્રથમ, નીતીશને બીમાર જણાવવાની સાથે-સાથે તેમને લાલુ-તેજસ્વીના ષડયંત્રનો ભોગ બનેલા જણાવાયા હતા. બીજું, મીડિયામાં સતત એવી ચર્ચાઓ ગરમ રાખવામાં આવી કે, તેઓ ઈન્ડિયા ગઠબંધનમાં પોતાની ઉપેક્ષાથી દુ:ખી થઈને ફરીથી એનડીએમાં સામેલ થવાની અણીએ પહોંચી ગયા છે. આ મનોવૈજ્ઞાનિક યુદ્ધમાં ચતુરાઈપૂર્વક અમિત શાહથી માંડીને ગિરિરાજ સિંહ, સુશીલ મોદી અને જીતનરામ માંઝીએ પોત-પોતાનો ભાગ ભજવ્યો હતો. જે દિવસે સ્ત્રી-પુરુષ સંબંધો અંગે વિધાનસભામાં નીતીશની જીભ લપસી ગઈ, એ દિવસથી આ સિલસિલો શરૂ થયો હતો. માંઝીએ આરોપ લગાવ્યો કે, નીતીશને એક ષડયંત્ર અંતર્ગત ગુપ્ત રીતે દવા આપવામાં આવી રહી છે, જેથી તેઓ માનસિક સંતુલન ગુમાવી દે. સાથે જ બીજા નેતાઓએ પણ કહેવાનું શરૂ કર્યું કે, લાલુ નીતીશના નીચેથી ખુરશી ખેંચવાની યોજનાને ગમે ત્યારે અમલમાં મૂકી શકે છે, જેથી તેજસ્વીને તેના પર બેસાડી શકાય.
આ બાજુ અમિત શાહે જેવું અર્થપૂર્ણ રીતે કહ્યું કે જો (નીતીશ તરફથી) પ્રસ્તાવ આવ્યો તો વિચાર કરી શકાય છે, એ જ રીતે માંઝીના મોઢે કહેવડાવી દીધું કે, નીતીશ એનડીએમાં આવે છે તો તેમને આ બાબતે વાંધો નહીં હોય. બિહારમાં ઇન્ડિયા ગઠબંધન સામે પડકાર એ હતો કે, ભાજપના આ મનોવૈજ્ઞાનિક આક્રમણને કોઈ પણ રીતે સફળ થવા દેવામાં ન આવે. તેજસ્વી અને લાલુએ પોતાના તરફથી વાણી પર સંયમ રાખ્યો હતો. 2015ની જેમ જ આ વખતે આરજેડી અને જેડીયુ વચ્ચે કોઈ ખેંચતાણ જોવા મળી ન હતી. તેમ છતાં ભાજપની યોજના જબરદસ્ત નીકળી.
ભાજપની સફળતાનો રસ્તો કોંગ્રેસના કામ કરવાની ધમી અને ભ્રમ પેદા કરવાની શૈલીએ પણ સાફ કરી દીધો હતો. નીતીશ સ્પષ્ટ સંકેત આપી ચુક્યા હતા કે, વિધાનસભાની આગામી ચૂંટણીમાં તેઓ તેજસ્વીના પક્ષમાં નેતૃત્વની જવાબદારી છોડવા તૈયાર છે. જોકે, તેની ભરપાઈ રાષ્ટ્રીય સ્તરે એક મોટી ભૂમિકાથી થઈ શકે એમ હતી. આ કામ કોંગ્રેસે કરવાનું હતું. જો ઈન્ડિયા ગઠબંધનની પટના બેઠમાં જ નીતીશને સંયોજક બનાવી દેવાતા તો તેનો ફાયદો થતો. આમ પણ આ પદને લાયક તેમના સિવાય બીજું કોઈ ન હતું.
સંયોજનની જવાબદારી નીતીશના હાથમાં આવી જતાં વિધાનસભા ચૂંટણીના અભિયાનમાં કોંગ્રેસના ફસાઈ જવાના પરિણામે ગઠબંધનની ગતિવિધિઓ ઠપ ન થતી અને નીતીશ માટે કેન્દ્રીય રાજકારણમાં આગળ વધવાની સંભાવનાઓ ખુલ્લી રહેતી. જોકે, સંયોજકના સવાલ પર બીનજરૂરી ગતિરોધે નીતીશના મગજમાં પોતાના ભવિષ્ય અંગે શંકાઓ પેદા થઈ ગઈ હતી.
મહારાષ્ટ્રમાં વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર દ્વારા અપાયેલો લાંબો ચુકાદો પણ આ મનોવૈજ્ઞાનિક યુદ્ધનું હથિયાર બની ગયો હતો. નાર્વેકરે ચતુરાઈપૂર્વક શિવસેનાની બંને ફાડમાંથી એક પણ ધારાસભ્યને ગેરલાયક ઠેરવ્યો નહીં, પરંતુ પરિસ્થિતિ એવી બનાવી દીધી જેના અંતર્ગત ઉદ્ધવના ધારાસભ્યોને પણ એકનાથ શિંદેના આદેશોને માનવાની સાથે તેમની પાર્ટીલાઈન પર ચાલવું પડશે, નહિંતર તેમના વિરુદ્ધ કાર્યવાહી કરાશે. ભાજપે એનસીપીમાં પણ ભાગલા પાડી દીધા છે. એ જ રીતે કર્ણાટકમાં ડી.કે. શિવકુમાર વિરુદ્ધ તપાસ એજન્સીઓનો ઉપયોગ કરીને જબરદસ્ત દબાણ બનાવેલું છે. યુપીમાં માયાવતી વિરુદ્ધ મનોવૈજ્ઞાનિક યુદ્ધચાલી રહ્યું છે.