ખેડા જિલ્લામાં છેલ્લા દિવસોમાં ભારે વરસાદને લઈ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યુ છે. તમામ તાલુકાના લાયઝન ઓફીસર, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ અને લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારીઓ રાહત બચાવની કામગીરીમાં કાર્યરત છે. જિલ્લા વહીવટી તંત્ર, ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સંકલનમાં રહીને સફાઈ, ફુડ વિતરણ, આરોગ્ય વગેરેની કામગીરી કરી રહ્યા છે.
જેમાં સંભવિત પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે તકેદારીના પગલારૂપે ઠાસરાની ગ્રામ પંચાયત એકલવેલુંના વિસનગર ગામ ખાતે પીવાના પાણીમાં ક્લોરીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે ડાકોર નગરપાલીકા દ્વારા રસ્તાઓની સફાઈની કામગીરી કરવામાં આવી હતી. નડિયાદના અંધારી આમલી ગામમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત લોકોને વહીવટી તંત્ર દ્વારા ભોજન વિતરણ કરવામાં આવ્યુ હતુ. નડિયાદ શહેરમાં સરકારી વસાહતમાં પડેલા ઝાડને ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. ખેડા નગરપાલિકાના વિઠ્ઠલપુરા વિસ્તારમાં ફસાયેલ તમામ લોકોને SDRF ટીમની મદદથી સફળતાપૂર્વક રેસ્કયુ કરીને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.