સમગ્ર રાજ્ય સહિત ખેડા જિલ્લામાં તા. ૨૭ ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ખેડા જિલ્લામાં પણ અંદાજિત ૪૫,૨૦૪ જેટલા વિદ્યાર્થીઓ આજે બોર્ડ પરીક્ષાના કેન્દ્રો ખાતે ઉમળકાભેર પરીક્ષા આપવા પહોંચ્યા હતા.
આ અવસરે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે જીવન વિકાસ કેળવણી હાઇસ્કુલ, નડિયાદ ખાતે, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોરે બાસુદી વાલા પબ્લિક હાઇસ્કુલ, નડિયાદ ખાતે અને જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ ઉત્તરસંડા ખાતે આવેલી ભારત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ ખાતે બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓને પુષ્પ આપી શુભેચ્છાઓ પાઠવી અને સાકળ ખવડાવી વિદ્યાર્થીઓનું મો મીઠું કરાવ્યું હતું. આ પ્રસંગે અધિકારીઓએ વિદ્યાર્થીઓને પ્રામાણિકતાથી મહેનત કરવા અને વાલીઓને નિશ્ચિત રહી વિદ્યાર્થીઓને મુક્ત મને પરીક્ષાઓ આપવા માટે પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી કલ્પેશ રાવલ, શાળા આચાર્ય સહિત શિક્ષકો અને બોર્ડ પરીક્ષા માટે આવેલ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.