અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક અફસોસજનક ઘટના સામે આવી છે, જેમાં ઝઘડામાં સમાધાન કરાવવા ગયેલા યુવક પર જ જીવલેણ હુમલો કરવામાં આવ્યો. મળતી માહિતી પ્રમાણે, મિર્ઝાપુર વિસ્તારના નિવાસી અને ફર્નિચર દુકાન ચાલક ઇકબાલઅહેમદ શેખ મંગળવારે રાત્રે દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં બેચરસુથારના ડહેલા પાસે તેમના કૌટુંબિક કાકા સમીમ મોહમ્મદ સફી શેખ અને સંબંધીઓ મુસૈબ શેખ, ઉમૈર શેખ, અબ્દુલ્લા શેખ અને મોહંમદઅલી ઇશાક શેખ વચ્ચે ઉગ્ર વાદવિવાદ થઈ રહ્યો હતો. આ ચારેય શખ્સો છરીઓ સાથે સજ્જ હતા.
પરિસ્થિતિને શાંત કરવા માટે ઇકબાલઅહમદ વચ્ચે પડ્યા અને તેમના કાકાને બચાવવાની કોશિશ કરી. પરંતુ આ કાર્ય તેમને ભારે પડ્યું. ચારેયે ઇકબાલઅહમદને માર માર્યો. એ જ સમયે ત્યાં ઇકબાલભાઈના સાળા મોહંમદએઝાઝ શેખ આવી ગયા, જેમને જોઈને આરોપીઓએ કહ્યું, “આને બહુ શોખ છે સમાધાન કરાવવાનો, આને પતાવી દો,” અને તરત જ ચપ્પા વડે હુમલો કરી તેને ગંભીર રીતે ઘાયલ કર્યો અને ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયા.
ઘાયલ મોહંમદએઝાઝને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ઇકબાલઅહમદે બાદમાં પોલીસને માહિતી આપી કે અગાઉ મુસૈબ શેખ અને તૌસીફ શેખ વચ્ચે ટુ-વ્હીલર રિપેરિંગ બાબતે થયેલા ઝઘડામાં મોહંમદએઝાઝે સમાધાન કરાવ્યું હતું, જે બાબતે અજાણે અદાવત લઈ આરોપીઓએ હુમલો કર્યો છે.
હવે શાહપુર પોલીસે મુસૈબ શેખ, ઉમૈર શેખ, અબ્દુલ્લા શેખ અને મોહંમદઅલી ઇશાક શેખ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટના ક્રૂરતા અને કુટુંબની અંદરની અદાવતમાંથી ઉભી થયેલી હોવાનું મનાય છે. પોલીસ હવે આરોપીઓની ધરપકડ માટે દોડધામ કરી રહી છે.