ગુજરાત હાઈકોર્ટે એક ઐતિહાસિક અને માનવાધિકાર આધારિત મહત્વપૂર્ણ ટકોર કરતા જણાવ્યું છે કે જો કોઈ કેદી દ્વારા તમામ સજા પૂર્ણ થઈ ગઈ હોય અને જામીન મંજૂર થઈ ચૂક્યા હોય, તો તે પછી તે કેદી એક મિનિટ માટે પણ જેલમાં રાખવો કોઈપણ રીતે ન્યાયસંગત નથી. આ નિવેદન તેમણે ત્યારે આપ્યું જ્યારે એક કેદી, ત્રણ જુદા જુદા કેસોમાં સજા પૂર્ણ થયા પછી પણ, જેલ સત્તાવાળાઓની ગણતરીમાં થયેલી ગંભીર ભૂલના કારણે બે મહિના સુધી વધુ જેલમાં રહેવા મજબૂર થયો હતો. આ મામલે હાઈકોર્ટ દ્વારા વડોદરા જેલના એસપી ઉષા રાડા, જેલર એન.જે. પરમાર અને એન.જી. પરીખને વર્ચ્યુઅલી હાજર રાખવામાં આવ્યા હતા, જયારે અન્ય અધિકારીઓ જેમ કે ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ એમ.ડી. ચૌધરી, સિનિયર જેલર વી.ડી. બારીયા અને ક્લાર્ક સંજય મોહિતને કોર્ટમાં રૂબરૂ હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
જસ્ટિસ હસમુખ ડી. સુથારે કડક શબ્દોમાં આ ઘટના માટે જવાબદાર અધિકારીઓની નિંદા કરતા કહ્યું કે, આ લાપરવાહીનાં પરિણામે કેદીનું મૂળભૂત અધિકાર ભંગાયું છે. તેથી હાઈકોર્ટએ આ કેદીને રૂ. 50,000 નું વળતર આપવાનો આદેશ આપ્યો છે અને આ રકમ જવાબદાર અધિકારીઓના ખિસ્સામાંથી કટ કરીને સીધી કેદીના ખાતામાં ટ્રાન્સફર કરવાનો ખાસ હુકમ પણ આપ્યો છે. કોર્ટના આ આદેશ સાથે જ જીલ્લાના તમામ જેલ અધિકારીઓને તમામ કેદીઓના “સેટ ઑફ” સમયગાળાની ચોકસાઈથી પુન:ગણતરી કરીને દસ્તાવેજી રીતે રેકોર્ડ અપડેટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
હાઈકોર્ટએ વધુમાં નિર્દેશ આપ્યો છે કે હવેથી કોઈપણ ન્યાયિક અધિકારી જ્યારે જેલ મુલાકાતે જાય, ત્યારે તે જેલના રેકોર્ડ ચકાસે અને ખાતરી કરે કે કોઈપણ કેદી જામીન મળ્યા પછી કે સજા પૂર્ણ થયા બાદ પણ ગેરકાયદે રીતે જેલમાં રાખવામાં ના આવી રહ્યો હોય. આ સાથે જ, 1 ઓગસ્ટ 2025ના પરિપત્રના આધારે કેદીઓના નવા પ્રવેશ કાર્ડ, ટિકિટ અને અન્ય રેકોર્ડ પણ તૈયારી કરવા જણાવાયું છે.
હાઈકોર્ટે આ તકે ભારતના બંધારણની કલમ 51A નો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે કેદીઓ ગુનેગાર હોવા છતાં તેમના પણ મૂળભૂત અધિકારો હોય છે અને તેમની સાથે માનવતા અને સંવેદનશીલતાથી વર્તન થવું જોઈએ. જેલ માત્ર દંડની જગ્યા નહીં પણ પુનર્વસન અને સુધાર માટેનું કેન્દ્ર હોવું જોઈએ. હાઈકોર્ટે રાજ્યની તમામ જેલોમાં “મૈત્રીપૂર્ણ અને આશ્રમ સમાન વાતાવરણ” ઉભું કરવા તેમજ “મોડેલ જેલ મેન્યુઅલ”નું પાલન ફરજિયાત બનાવવા રાજ્યના જેલ મહાનિર્દેશક (IG) ને પણ તાકીદના આદેશ આપ્યો છે.
જસ્ટિસ સુથારએ પોતાની ચુકાદીનો અંત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હૃદયસ્પર્શી વાક્યથી કર્યો: “પોતાને શોધવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમે બીજાની સેવા માટે પોતાને ગુમાવી દો.” આ ચિંતન સાથે હાઈકોર્ટે આપેલી ન્યાયસંગત ટકોર એ તરફ ઈશારો કરે છે કે કાયદાનું રાજ ન કેવળ દંડમાં, પણ ન્યાય, માનવતા અને જવાબદારીની ભાવનામાં પણ હોવો જોઈએ.