ઑક્ટોબરના અંતમાં પડેલા કમોસમી વરસાદે રાજ્યના અનેક વિસ્તારોમાં પાકને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ પરિસ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં લેતા રાજ્ય સરકારે રેકોર્ડ સમયમાં ₹10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું અને ત્વરિત વિતરણ પ્રક્રિયા શરૂ કરી હતી. બુધવારે (3 ડિસેમ્બર) મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠક બાદ મંત્રી જીતુ વાઘાણીયે માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં રાજ્યના 3.39 લાખથી વધુ નુકસાન પામેલા ખેડૂતોના બેન્ક ખાતામાં ₹1,098 કરોડથી વધુની સહાય સીધી જમા કરવામાં આવી છે. કુલ 29.80 લાખથી વધુ અરજીઓ મળેલી હતી, જેમાંથી ચકાસણી હેઠળની અરજીઓ પર કૃષિ વિભાગ ઝડપથી કાર્યવાહી કરી રહ્યો છે.
વાઘાણીએ જણાવ્યું અનુસાર 4 ડિસેમ્બર સુધી 4.91 લાખથી વધુ ખેડૂતોને ₹1,497 કરોડથી વધુની સહાય આપવા માટે બિલ તૈયાર થઈ ચૂક્યા છે. જેમાંથી 3.39 લાખથી વધુ ખેડૂતોને સહાયની રકમ ખાતામાં જમા પણ થઈ ગઈ છે. કોઈપણ ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકારે 5 ડિસેમ્બર સુધી અરજી કરવાની અંતિમ તારીખ લંબાવી છે.
તેઓએ વધુમાં જણાવ્યું કે ગામડાંના VCE/VLE કેન્દ્રો દ્વારા અરજી પ્રક્રિયા સતત ચાલુ છે અને બાકી રહેલી અરજીઓની ચકાસણી તબક્કાવાર પૂર્ણ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર ખેડૂતોની સાથે અડીખમ ઉભી છે અને તમામ યોગ્ય લાભાર્થીઓ સુધી સહાય પહોંચે તેના માટે પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel