વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 12 વર્ષોમાં કેન્દ્ર સરકારે ગ્રામીણ સશક્તિકરણની દિશામાં ઐતિહાસિક પહેલો હાથ ધરી છે, જેમાં ‘પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના’ એક સીમાચિહ્નરૂપ યોજના તરીકે ઊભરી છે. દાયકાઓ સુધી ગામડાઓમાં રહેણાંક મિલકતોના કાનૂની દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાથી ગ્રામજનો પોતાના જ ઘર-મિલકતના કાનૂની અધિકારો તેમજ વિવિધ આર્થિક લાભોથી વંચિત રહેતા હતા.
આજે સ્વામિત્વ યોજના દ્વારા ગામડાઓમાં રહેતા લોકોને પોતાની મિલકતનું સાચું ‘સ્વામિત્વ’ મળી રહ્યું છે, જેના પરિણામે તેઓ આર્થિક રીતે વધુ સશક્ત બની રહ્યા છે. એટલું જ નહીં, આ મહાઅભિયાનના સફળ અમલીકરણમાં ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યની આ સિદ્ધિ એટલા માટે પણ વિશેષ છે કે, યોજનાના બીજા તબક્કામાં દેશભરમાં તૈયાર થયેલા કુલ પ્રોપર્ટી કાર્ડમાંથી 50 ટકાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ફક્ત ગુજરાતમાં તૈયાર થયા છે.
14,900 ડ્રોન ફ્લાઇટ્સ અને 18.50 લાખથી વધુ પ્રોપર્ટીકાર્ડ બનાવી: સ્વામિત્વ યોજનામાં ગુજરાતે રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાતે ‘પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના’ના અસરકારક અમલીકરણ દ્વારા સમગ્ર દેશ માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અત્યાધુનિક ડ્રોન ટેક્નોલૉજીથી ગ્રામ્ય મિલકતોનું સચોટ સર્વેક્ષણ અને મૅપિંગ કરીને રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં 18.50 લાખથી વધુ ગ્રામીણ મિલકતોના કાયદાકીય દસ્તાવેજ તરીકે ‘પ્રોપર્ટીકાર્ડ’ તૈયાર કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં વર્ષ 2021-22માં સ્વામિત્વ યોજના બીજા તબક્કાની કામગીરી શરૂ થઇ હતી અને આજે અસરકારક આયોજન દ્વારા રાજ્ય આ યોજનાના અમલીકરણમાં દેશભરમાં પ્રથમ સ્થાને છે. આંકડાઓ પર નજર કરીએ, તો આ તબક્કામાં દેશભરના 58,197 ગામોમાં ડ્રોન સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને કુલ 32,35,260 પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. તેમાં ફક્ત ગુજરાતે જ 14,900 ડ્રોન ફ્લાઇટ્સ દ્વારા 11,511 ગામોનું પ્રમોલગેશન પૂર્ણ કરીને સૌથી વધુ 18,50,614 પ્રોપર્ટી કાર્ડ તૈયાર કર્યા છે.
મહેસાણા અને અમદાવાદ, પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવામાં અગ્રેસર
સર્વે ઓફ ઇન્ડિયા, ગુજરાત મહેસૂલ વિભાગ અને ગુજરાત પંચાયતી રાજ વિભાગના સંયુક્ત પ્રયાસોથી આ મહાઅભિયાનને સફળતા મળી છે. ડ્રોન સર્વેક્ષણ અને GIS આધારિત મૅપિંગથી ગ્રામ્ય આયોજન વધુ પારદર્શી બન્યું છે. આ પ્રક્રિયામાં જિલ્લા સ્તરે મહેસાણા (1,66,504 કાર્ડ) અને અમદાવાદ (1,53,125 કાર્ડ) સૌથી આગળ રહ્યા છે. આ ઉપરાંત, ખેડા, બનાસકાંઠા અને આણંદ જિલ્લામાં પણ 1-1 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. પારદર્શી ચકાસણી બાદ પ્રોપર્ટી કાર્ડ જારી થવાથી પેઢીઓથી ચાલતા મિલકત સંબંધિત વિવાદો અને કોર્ટ કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
નાણાકીય સમાવેશને મળ્યો વેગ, પ્રોપર્ટી કાર્ડના આધારે મળી રહી છે ₹50 લાખ સુધીની લોનની સુવિધા
સ્વામિત્વ યોજનાએ ગ્રામીણ મિલકતોને આર્થિક સંપત્તિમાં પરિવર્તિત કરી છે. મિલકતોને કાયદેસરની માન્યતા મળ્યા બાદ હવે નાગરિકો પોતાના પ્રોપર્ટીકાર્ડના આધારે સરળતાથી બૅન્ક લોન મેળવી રહ્યા છે. ગુજરાતમાં આ કાર્ડના આધારે ₹50 લાખ સુધીની બૅન્ક લોન મંજૂર કરવામાં આવી છે.
તેના પરિણામે, ગામડાઓમાં વ્યવસાય, શિક્ષણ અને આજીવિકાની નવી તકો ઊભી થઈ છે. ખાસ કરીને મહિલાઓ અને વંચિત વર્ગોના આર્થિક સશક્તિકરણમાં આ યોજના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. યોજનાનો લાભ વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે રાજ્યભરમાં 14,000થી વધુ ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જે ‘ડિજિટલ અને આત્મનિર્ભર ગ્રામીણ ભારત’ના વિઝનને સાકાર કરી રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel