ઉમરેઠના સુરેલી ગામમાં ગૌવંશ વેચતા શખ્સને પોલીસે રંગેહાથ પકડી પાડયો હતો. જોકે, આ કાર્યવાહીમાં એક શખ્સ ભાગી ગયો હતો. આ અંગે પોલીસે કુલ ત્રણ શખ્સ સામે ગુનો નોંધી ફરાર બે શખ્સની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં છે.
ઉમરેઠ પોલીસને ટેલીફોનીક જાણ થઈ કે, સુરેલી ગામના નાની ભોમીયાવાડ વિસ્તારમાં ગાયો કાપવામાં આવી રહી છે. આ વર્ધી આધારે પોલીસે ટીમ બનાવી 20મીના રોજ સુરેલી ગામના નાની ભોમીયાવાડમાં દરોડો પાડયો હતો. જેમાં કાલુ નિવાઝ પઠાણના ઘર આગળ ઓસરીમાં બે શખ્સ માંસ કાપતાં હતાં. જે પોલીસને જોઈ ભાગવા લાગ્યાં હતાં. જેમાં એક શખ્સ પકડાયો હતો.
જેની પુછપરછ કરતાં તે અલતાફ નજીર પઠાણ (ઉ.વ.23, રહે. પગીવાડ, સુરેલી) હોવાનું જણાવ્યું હતું. તેની બાજુમાં એક પ્લાસ્ટીકનો થેલો પડયો હતો. જેમાં માંસ મળી આવ્યું હતું. આ અંગે પુછતાં અલતાફે કબુલ્યું હતું કે ધુળેટા ગામમાં રહેતા સત્તાર નામના શખ્સે વાછરડું લાવી આપ્યું હતું. જેનું સવારે કતલ કરી માંસ વેચવા માટે રાખ્યું હતું.
જ્યારે ભાગી ગયેલો શખ્સ સોહિલ નજીર પઠાણ હોવાનું ખુલ્યું હતું. આમ, ગેરકાયદે રીતે ગૌવંશ કતલ કરી અલતાફ નજીર તથા સોહિલ નજીર માંસ વેચવા રાખ્યું હતું. આ અંગે પોલીસે સોહિલ, અલ્તાફ અને સત્તાર સામે ગુનો નોંધી સ્થળ પરથી કતલ કરવાના છરા સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં વધુ કેટલાક નામ ખુલશે.