ખેડા જિલ્લાના વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે બુધવાર તા.૨૬ માર્ચના રોજ પાપમોચની એકાદશીના શુભદિને મંદિરમાં બિરાજતા દેવોને ૧ હજાર કીલો પાઈનેપલનો ઉત્સવ એક હરિભક્ત દ્વારા ઉજવવામાં આવ્યો હતો. જેના હજ્જારો હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
પાઈનેપલ ઉત્સવની માહિતી આપતા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ર્ડા.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, બુધવારે પાપમોચની એકાદશીના શુભદિને એક હરિભક્ત ધ્વારા વડતાલધામમાં બિરાજતા દેવોનો રાજીપો પ્રાપ્ત કરવા માટે પાઈનેપલનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. પૂ.શ્યામવલ્લભ સ્વામી ધ્વારા સમગ્ર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૮:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી હજજારો હરિભક્તોએ પાઈનેપલ ઉત્સવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પાઈનેપલ પ્રસાદનું સાંજે વડતાલધામમાં ફરજ બજાવતા કર્મચારીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. જે પ્રસાદનો લાભ લઈ કર્મચારીઓએ ધન્યતા અનુભવી હતી.