Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 28°C

આણંદ ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા) ની બેઠક મળી

આણંદ ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા) ની બેઠક મળી

આણંદમાં સોમવારે સાંસદ મિતેષભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આણંદ સરકીટ હાઉસ ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા) ની બેઠક મળી હતી.

આ બેઠકમાં સાંસદ મિતેષભાઇ પટેલે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, જનની સુરક્ષા યોજના, નિશ્ચય પોષણ સહાય યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, બેટી બચાવો – બેટી પઢાઓ, મધ્યાહન ભોજન યોજના, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, સોઇલ હેલ્થ કાર્ડ, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના, પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ, સુકન્યા સમૃધ્ધિ યોજના, સાંસદ આદર્શ ગ્રામ યોજના, મનેરેગા, મિશન મંગલમ, દિન દયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સ્વચ્છ ભારત મિશન જેવી વિવિધ યોજનાઓની કામગીરીની સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા.

સાંસદએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને સરકારની કલ્યાણકારી યોજનાના લાભો અંત્યોદય સુધી પહોંચાડવાની જવાબદારીને સુપેરે નિભાવવાની સાથે જિલ્લાના તુટેલા રસ્તાઓને તાત્કાલિક ધોરણે રીપેર કરવા તથા બાકી કામો ઝડપથી શરૂ કરીને સમયમર્યાદામાં પુર્ણ કરવા સુચના આપી હતી. તેમણે જિલ્લામાં પ્રગતિ હેઠળના અને હાથ ધરવા પાત્ર કામો જેવાં કે, રસ્તાઓ, પાણી-પુરવઠા, વીજળી, સફાઈ, બાંધકામ, આવાસ યોજના જેવી વિવિધ બાબતોએ વિસ્તૃત સમીક્ષા કરીને આણંદ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સફળ બનાવવા બદલ સંબંધિત તમામ અધિકારી-કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

બેઠક દરમિયાન જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ સાંસદ મિતેષભાઈ દ્વારા સુચવવામાં આવેલ સૂચનોને ધ્યાને લઇ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકના પ્રારંભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે. વી.દેસાઇએ સૌને આવકારી વિવિધ યોજનાઓ હેઠળ કરવામાં આવેલ કામગીરીની વિગતો રજૂ કરી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર આર.એસ.દેસાઇ, ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, પ્રોબેશનરી આઈ.એ.એસ.શ્રી મહેક જૈન, આણંદ નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ, તાલુકા પંચાયતના પ્રમુખો, નગરપાલિકાના પ્રમુખો, ચીફ ઓફિસરો, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ, ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

 

રીપોટૅર-ભાવેશ સોની(આણંદ)

Filed under Anand Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.