ગોધરા કાંડનું સત્ય ઉજાગર કરતી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ હવે ઉત્તર પ્રદેશમાં પણ ટેક્સ ફ્રી થઈ ગઈ છે. આ પહેલા ગુજરાતમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી ચૂકી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે પોતાના કેબિનેટ સહયોગીઓ સાથે ફિલ્મ નિહાળી હતી અને તેને ટેક્સ ફ્રી કરવાનું એલાન કર્યું છે. આ દરમિયાન ફિલ્મના કલાકારો અને તેની સાથે જોડાયેલા લોકો પણ હાજર રહ્યા હતા. સીએમ યોગીએ એમ પણ કહ્યું કે દરેક ભારતીયોએ આ ફિલ્મ જોવી જોઈએ અને દેશ અને સમાજમાં દુશ્મનાવટ ફેલાવનારા લોકોને એક્સપોઝ કરવા જોઈએ.
फिल्म The Sabarmati Report को हम उत्तर प्रदेश में टैक्स फ्री करेंगे। pic.twitter.com/jyyijF2BN2
— Yogi Adityanath (@myogiadityanath) November 21, 2024
ફિલ્મ જોયા બાદ સીએમ યોગીએ કહ્યું કે, ગોધરા કાંડના સત્યને દેશ સામે લાવવાનું વિક્રાંત મેસીની ટીમે પોતાની કલા દ્વારા રાષ્ટ્રીય કર્તવ્ય નિભાવતા પ્રશંસનીય પ્રયાસ કર્યો છે. હું યુપી અને અહીંના લોકો તરફથી તેમને અભિનંદન પાઠવું છું. જે લોકો અવારનવાર સત્યને ઢાંકવાનો પ્રયાસ કરે છે, દેશ અને સમાજ વિરુદ્ધ ષડયંત્ર રચે છે, પરંતુ ફિલ્મના માધ્યમથી ધ સાબરમતી રિપોર્ટ એ તે સત્યને સામે લાવવાનો પ્રયાસ કર્યો છે.
ફિલ્મના માધ્યમથી એક સાહસિક પ્રયાસ કરવામાં આવ્યો
યોગીએ કહ્યું કે બધા જાણે જ છે કે, સાબરમતી એક્સપ્રેસ દ્વારા અયોધ્યાથી ગુજરાત પરત ફરી રહેલા કાર સેવકો સાથે ગોધરા સ્ટેશન પર જે કંઈ બન્યું હતું તે સત્યને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. તે સત્ય સામે આવ્યું છે. આજે પણ ઘણા લોકો એ સત્યને નકારી રહ્યા છે. તેમને એક્સપોઝ કરવાની જરૂર છે. ફિલ્મના માધ્યમથી એક સાહસિક પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રકારનો પ્રયાસ એ તમામ ઘટના માટે થવો જોઈએ જે દેશ, સમાજ અને સરકાર વિરુદ્ધ દુશ્મની ઉત્પન્ન કરવા માટે મોટા ભાગે જવાબદાર સ્તંભોના સ્તર પર હોય છે. આવા લોકોને જાહેરમાં એક્સપોઝ કરવાની જરૂર છે.