એટીએસની ટીમે ગોધરાથી મહિલા સહિત 5 શંકાસ્પદ વ્યકિતઓની ધરપકડ કરી હતી. આ પાંચેય જણાં પાસેથી પાસપોર્ટ સહિતના કેટલાક ડોક્યૂમેન્ટસ મળી આવ્યા હતા. જેમાં તેમણે પાકિસ્તાન અવર જવર કરી હોવાનું જાણવા મળ્યું હતુ. જેના આધારે એટીએસની ટીમે ઘણા સમયથી તેમના ઉપર વોચ ગોઠવી હતી. જો કે આઈએસકેપી (ઈસ્લામિક સ્ટેટ- ખોરાસન પ્રોવિન્સ) આતંકવાદીસંગઠન સાથે સાંઠગાંઠ હોવાથી પાંચેયની ધરપકડ કરવામાં આવી હોવાની આશંકા છે. પરંતુ આ અંગે એટીએસના અધિકારીઓ કશું પણ બોલવા તૈયાર નથી.
ગોધરામાં એક મહિલા સહિત 5 શંકાસ્પદ વ્યકિતઓ અવાર નવાર પાકિસ્તાન જઈ આવ્યા હોવાની માહિતી એટીએસને મળી હતી. જેના આધારે એટીએસની ટીમે ઘણા દિવસોથી તેમના ઉપર વોચ રાખી હતી, જ્યારે ગુરુવારે એટીએસની ટીમ પાંચેયને પકડી ને અમદાવાદ લઈ આવી હતી.
આ પાંચેય જણાં પાસેથી પાસપોર્ટ, મોબાઈલ ફોન, લેપટોપ, પેન ડ્રાઈવ સહિતના ડોકયુમેન્ટસ મળી આવ્યા હતા. જો કે આ અંગે એટીએસના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઈનો સંપર્ક થઈ શક્યો ન હતો. જેથી પાંચેય જણાંને ખરેખર કયા કેસમાં લાવવામાં આવ્યા છે. તે જાણી શકાયું નથી, પરંતુ પકડાયેલા પાંચેય જણાં અવાર નવાર પાકિસ્તાન જઈને આવ્યા હોવાથી આતંકવાદી કનેકશન હોવાની આશંકા છે. આતંકવાદી પ્રવૃત્તિને લગતા કોઈ
ડોકયુમેન્ટસ કે હથિયારો મળી આવ્યા છે કે નહીં તે અંગે કોઈ માહિતી મળી નથી. પરંતુ પકડાયેલા પાંચેયને એટીએસની ઓફિસે લાવ્યા બાદ જુદી જુદી ટીમોએ તેમની પૂછપરછ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓનું કહેવુ છે કે, આ લોકો પાકિસ્તાન શા માટે અવર જવર કરતા હતા. તે દિશામાં જ પૂછપરછ કરવામાં આવી રહી છે. આટલું જ નહીં હજુ સુધી એટીએસની ટીમે સત્તાવાર રીતે પાંચેયની ધરપકડ પણ કરી નહીં હોવાનું જાણવા મળ્યું છે.