આસામ બાદ ઉત્તરાખંડના મદરેસા ચર્ચામાં છે. તેનું કારણ છે મદરેસાઓમાં ભણતા હિન્દુ બાળકો. રાષ્ટ્રીય બાળસુરક્ષા આયોગને 2 નવેમ્બરે ફરિયાદ મળી હતી કે ઉત્તરાખંડની મદરેસાઓમાં હિન્દુ બાળકો ભણી રહ્યાં છે અને શિક્ષણની આડમાં ધર્માંતરણની ગતિવિધિ ચાલી રહી છે. આ માહિતી મળ્યા બાદ પંચે મદરેસા એજ્યુકેશન કાઉન્સિલ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો.
આનાથી ખબર પડી કે ઉત્તરાખંડમાં કુલ 412 મદરેસા છે જેમાં 18 હજાર બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. તેમાંથી 30 મદરેસાઓ એવી છે જેમાં અભ્યાસ કરી રહેલાં 7,399 બાળકો પૈકી 749 બાળકો બિન-મુસ્લિમ અથવા હિન્દુ છે. ત્રણ જિલ્લાઓ (હરિદ્વાર, ઉધમસિંહ નગર અને નૈનીતાલ)ની 30 મદરેસાઓમાં 749 હિન્દુ બાળકો અભ્યાસ કરે છે. સૌથી વધુ 21 મદરેસા ધાર્મિક શહેર હરિદ્વારમાં છે.
માતા-પિતાએ કહ્યું- ખાનગી શાળાઓમાં ભણાવી શકતાં નથી
મદરેસાઓમાં ભણતા હિન્દુ બાળકોના આંકડા સામે આવ્યા બાદ સવાલો ઊઠી રહ્યા છે કે મદરેસાઓમાં હિન્દુ બાળકો કેમ ભણી છે? જ્યારે ભાસ્કર કેટલીક મદરેસામાં પહોંચ્યું તો ચિત્ર અલગ જ નીકળ્યું. હિન્દુ માતા-પિતાએ તેમનાં બાળકોને મદરેસામાં ભણાવવા માટે બે મુખ્ય મજબૂરી દર્શાવી. પ્રથમ- તેમના વિસ્તારમાં કોઈ સરકારી શાળા નથી, જો છે તો તે ખૂબ દૂર છે. બીજું- ખાનગી શાળાઓની ફી વધારે છે. હરિદ્વારના મદરેસા એવરગ્રીનમાં અભ્યાસ કરતાં જોડિયા બાળકો ગૌરવ અને સૌરવની માતા મેઘવતી જણાવે છે કે અમારા ઘરથી સરકારી શાળા 10થી 12 કિમી દૂર છે. મદરેસા નજીકમાં છે.
મદરેસામાં પણ NCERT અભ્યાસક્રમો ભણાવાય છે
ઉત્તરાખંડના ડાયરેક્ટર જનરલ ઑફ એજ્યુકેશન બંશીધર તિવારીના જણાવ્યા અનુસાર જે વિસ્તારોમાં હિન્દુ બાળકો મદરેસામાં ભણે છે ત્યાં કોઈ સરકારી શાળાઓ નથી. જે શાળાઓ અસ્તિત્વમાં છે તે મદરેસાઓની સરખામણીમાં ઘણી દૂર છે. NCERT દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.
મદરેસાઓમાં ઉર્દૂ – અરબી માટે અલગ-અલગ વર્ગો
- ઉત્તરાખંડ મદરેસા એજ્યુકેશન કાઉન્સિલના અધ્યક્ષ મુફ્તી શમૂન કાસમીએ કહ્યું કે મદરેસાઓમાં ઉર્દૂ અને અરબીનો અભ્યાસ બંધ કરી દેવામાં આવ્યો છે. ઇસ્લામિક શિક્ષણ મેળવનાર મુસ્લિમ બાળકો માટે અલગ વ્યવસ્થા છે.
- મદરેસાઓમાં NCERT ધોરણે અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાનનો અભ્યાસ ફરજિયાત કરવામાં આવ્યો છે.
10 મદરેસા, જ્યાં વધુ હિન્દુ વિદ્યાર્થી છે
- રાવ અસગર અલી મેમોરિયલ, હરિદ્વાર 131
- બહાર-એ-ચમન, હરિદ્વાર 112
- જામિયા ઈસ્લામિયા, લક્સર, હરિદ્વાર 50
- મદ્રેસા એવર ગ્રીન, મુંડાખેડા, હરિદ્વાર 41
- મહેબૂબિયા હજારગ્રાન્ટ, હરિદ્વાર 28
- શમા પબ્લિક, લુક્સર, હરિદ્વાર 20
- મદરેસા રાષ્ટ્રીય એકતા, હરિદ્વાર 85
- તુલ આલીમ, રૂરકી હરિદ્વાર 79
- સાબીર હુસૈન ઈસ્લામિયા, ઉધમસિંહ નગર 68
- સાબીર બાબા સાહેબ, ઉધમસિંહ નગર 21