નડિયાદના પેટલાદ રોડ ફાટક પાસે આવેલા પૌરાણિક અને સુપ્રસિદ્ધ મોટા મહાદેવ મંદિર ખાતે આજથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત શિવકથાકાર ડૉ. લંકેશબાપુના વ્યાસપીઠપદે ભવ્ય શિવકથાનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ થયો છે. આ ધાર્મિક મહોત્સવને લઈને સમગ્ર પંથકમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે અને નગરજનોમાં શિવભક્તિનો અનેરો ઉત્સાહ વ્યાપ્યો છે.
કથાના પ્રથમ દિવસે સવારે નડિયાદના રાજમાર્ગો પર એક ભવ્ય પોથીયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા શહેરના રબારીવાડ અને દેસાઈવગા જેવા વિસ્તારોમાંથી પસાર થઈ ત્યારે વાતાવરણ “હર હર મહાદેવ” ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. હજારોની સંખ્યામાં ઉમટી પડેલા નગરજનો અને શિવભક્તોએ આ યાત્રામાં જોડાઈને દર્શનનો લાભ લીધો હતો.
પોથીયાત્રામાં મુખ્ય આકર્ષણ શ્રદ્ધાળુઓનો શિસ્તબદ્ધ ઉત્સાહ હતો. કથાના નિમંત્રક અને મુખ્ય યજમાન આશાબેન જયકુમાર પટેલ તથા પારુલબેન કમલેશકુમાર પટેલ સહિત આશરે સવાસો જેટલા શ્રદ્ધાળુઓએ પવિત્ર પોથીજીને પોતાના મસ્તક પર ધારણ કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે મોટી સંખ્યામાં બાલિકાઓ, કિશોરીઓ અને મહિલાઓ માથે મંગલ કળશ લઈને શિસ્તબદ્ધ રીતે યાત્રામાં જોડાઈ હતી.
પોથીયાત્રા કથાસ્થળે પહોંચ્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પોથીપૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વ્યાસપીઠ પરથી ડૉ. લંકેશબાપુએ કથાનો મંગલ પ્રારંભ કરાવ્યો હતો. આ શિવકથા આગામી 12મી જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં દરરોજ બપોરે 2:00 થી 5:30 કલાક દરમિયાન ભક્તો કથાશ્રવણનો અને શિવમહિમાનો લાભ લઈ શકશે.
મોટા મહાદેવ મંદિર ટ્રસ્ટ અને આયોજકો દ્વારા તમામ કથાપ્રેમી ભક્તોને આ શિવકથામાં પધારવા અને ભક્તિનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. નડિયાદ નગર અત્યારે સંપૂર્ણપણે શિવમય બન્યું છે અને આગામી દિવસોમાં અહીં શ્રદ્ધાનો ઘોડાપૂર ઉમટશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
યેશા શાહ
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો
Like, Share and Subscribe our YouTube channel