હાલ મથુરામાં બાંકે બિહારી મંદિર બનવાની તૈયારીઓ ચાલી રહી છે. આ મંદિર કોરિડોર ઘણી બાબતોમાં ખાસ છે. એવી જાણકારી મળી છે કે આ માંડીએ પરિસરમાં મંદિર સુધી પહોંચવા માટે ત્રણ રસ્તાઓ હશે. જેમાં એક રૂટ જુગલઘાટથી સીધો મંદિર સુધી જશે, બીજો રસ્તો વિદ્યાપીઠ ચારરસ્તાથી હશે. જ્યારે ત્રીજો રસ્તો જાદૌન પાર્કિંગથી આવશે. બાંકે બિહારી કોરિડોર 5 એકર વિસ્તારમાં બનાવવામાં આવશે. હાઈકોર્ટની મંજુરી બાદ કોરિડોરની સ્થાપનાનો માર્ગ ખુલ્લો થયો છે.
મંદિર કોરિડોરમાં 10 હજાર યાત્રિકો રોકાઈ શકશે
આ મંદિર પરિસર બનતા ત્યાં 10 હજાર યાત્રિકો રોકાઈ શકશે. આ કોરિડોર મંદિરની ચારે બાજુ બનાવવામાં આવશે તેમજ તે બે માળનું હશે. પ્રવેશ પરિસરનો ગ્રાઉન્ડ ફ્લોર 11,300 ચોરસ મીટરનો હશે. 800 ચોરસ મીટરમાં પૂજા સામગ્રીની દુકાનો હશે. 800 ચોરસ મીટરમાં કૃષ્ણ લીલાના ચિત્રોનો કોરિડોર હશે, જયારે 5113 ચોરસ મીટર વિસ્તાર ખુલ્લો રાખવામાં આવશે.
કોર્ટે કોરિડોર માટે આપી દીધી છે મંજુરી
ઉત્તર પ્રદેશ સરકારને બાંકે બિહારી મંદિરના કોરિડોરના નિર્માણ માટે અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી મંજુરી મળી ગઈ છે અને PIL પર આગામી સુનાવણી માટે 31 જાન્યુઆરી, 2024ની તારીખ નક્કી કરી છે. મુખ્ય ન્યાયાધીશ પ્રિતિંકર દિવાકર અને ન્યાયાધીશ આશુતોષ શ્રીવાસ્તવની બેન્ચે આનંદ શર્મા અને મથુરાના અન્ય એક વ્યક્તિ દ્વારા દાખલ કરાયેલ PILની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો હતો.
અગાઉ, રાજ્ય સરકારે મંદિરના વિસ્તારને કોરિડોર તરીકે વિકસાવવા અંગે કોર્ટને જાણ કરી હતી, જેમાં ભક્તો દ્વારા દર્શન અને પૂજાની સુવિધા માટે મંદિરની આસપાસ લગભગ પાંચ એકર જમીન ખરીદવાનો પણ સમાવેશ થાય છે. સરકારે ખાતરી આપી છે કે તે ગોસ્વામી પરિવાર દ્વારા કરવામાં આવતી પૂજા કે શણગારમાં દખલ નહીં કરે અને સેવાયતોને જે પણ અધિકારો છે તે જ રહેશે.