મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક નિધન બાદ સમગ્ર રાજ્યમાં શોકની ગાઢ છાયા છવાઈ ગઈ છે. આ દુઃખદ સમાચારથી માત્ર રાજકીય વર્તુળ જ નહીં, પરંતુ સામાન્ય જનતા પણ સ્તબ્ધ બની ગઈ છે. પવાર પરિવાર પર આઘાતનો પહાડ તૂટી પડ્યો છે.
મોટાભાઈના અવસાનના સમાચાર મળતાની સાથે જ સુપ્રિયા સુલે સંપૂર્ણપણે ભાંગી પડી હતી. બારામતી પહોંચ્યા બાદ જ્યારે તેમણે પોતાના ભાઈના પાર્થિવ દેહના દર્શન કર્યા, ત્યારે તેઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. સુપ્રિયા સુલે હંમેશા અજિત પવારને પ્રેમથી “દાદા” કહીને બોલાવતા હતા. તેમનું કરુણ રુદન જોઈને ત્યાં હાજર રહેલા દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી.
#WATCH | Maharashtra: NCP-SCP MP Supriya Sule and Deputy CM Ajit Pawar's wife – Rajya Sabha MP Sunetra Pawar break down as they meet members of the Pawar family in Baramati.
Ajit Pawar died in a crash landing of a charter plane in Baramati this morning. pic.twitter.com/QTcRZ6KyCx
— ANI (@ANI) January 28, 2026
સુપ્રિયા સુલે તેમની ભાભી સુનેત્રા પવાર સાથે તાત્કાલિક બારામતી પહોંચ્યા હતા. અજિત પવાર અને સુપ્રિયા સુલે વચ્ચેનો સંબંધ અત્યંત ગાઢ હતો. રાજકીય મતભેદો હોવા છતાં સુપ્રિયા સુલેએ ક્યારેય તેમના પ્રત્યે કડવાશ દાખવી નહોતી અને હંમેશા તેમને સન્માનપૂર્વક “દાદા” કહીને સંબોધતા રહ્યા હતા. તાજેતરમાં બંને પરિવારો વચ્ચે ફરી નજીકતા વધી રહી હતી અને એકતા અંગે ચર્ચાઓ ચાલી રહી હતી, તે જ સમયે આ આઘાતજનક ઘટના બની.
અજિત પવારના નિધનના સન્માનમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા ત્રણ દિવસના રાજ્ય શોકની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યભરની સરકારી કચેરીઓ પર તિરંગો અડધી કાઠીએ ઝુકાવવામાં આવ્યો છે. આજે સમગ્ર બારામતીમાં બજારો સ્વયંભૂ બંધ રહ્યા હતા અને શહેરમાં ગમગીન માહોલ જોવા મળ્યો હતો.
વિમાન દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ પાંચ લોકોના મોતથી માત્ર પવાર પરિવાર નહીં, પરંતુ સમગ્ર દેશ શોકમાં ડૂબી ગયો છે. અજિત પવાર ચાર્ટર્ડ પ્લેન દ્વારા મુંબઈથી બારામતી આવી રહ્યા હતા. સવારે 8:45 વાગ્યે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન વિમાન સંતુલન ગુમાવી બેઠું અને જોરદાર ધડાકા સાથે જમીન પર અથડાયું હતું, જેના કારણે વિમાનમાં ભીષણ આગ લાગી ગઈ હતી અને તે સંપૂર્ણપણે નાશ પામ્યું હતું.
આ દુર્ઘટનામાં અજિત પવાર ઉપરાંત બે પાયલટ, એક પર્સનલ સિક્યુરિટી ઓફિસર (PSO) અને એક ફ્લાઈટ અટેન્ડન્ટના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. આ ભયાનક અકસ્માત બાદ સમગ્ર દેશમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.
હાલ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) અને DGCAની ટીમો ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહી છે. એનસીપી (અજિત પવાર જૂથ) અને કોંગ્રેસ બંને તરફથી આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે, જેથી આ દુર્ઘટનાનું સાચું કારણ સામે આવી શકે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો
Like, Share and Subscribe our YouTube channel