કપડવંજ તાલુકાના અલવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત
સંકલ્પ જ શક્તિ, સંકલ્પ જ જ્યોતિ અને સંકલ્પથી જ નવી સવારની નેમ સાથે દેશના પ્રત્યેક ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરી રહી છે. દેશના એક એક નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ અપાવી ભારતને વિકસિત ભારત બનાવવાના હેતુ સાથે ફરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આજરોજ કપડવંજ તાલુકાના અલવા ગામે સ્વાગત કરવામાં આવ્યું હતું. જે અન્વયે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ અંતર્ગત પ્રધાન મંત્રી દ્વારા દેશના વિવિધ રાજ્યના લાભાર્થીઓ જોડે ઓનલાઈન વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. ઉપરાંત તેમણે દેશ વાસીઓને સંબોધિત કરીને સૌને ભારતે વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સંકલ્પબદ્ધ કર્યા હતા. તેઓના આ લાઈવ સંદેશનું નિદર્શન અલવા ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને એક વિકસિત દેશ બનાવવાના સંકલ્પને સાકાર કરવાના આશયથી યોજાયેલ વિકસિત ભારત યાત્રાના હેતુને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા સરળતાથી સમજવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં ભારતની એક આગવી ક્ષમતા દેશવાસીઓએ અને વિશ્વે નિહાળી છે. કોરોનામાં દેશવાસીઓની સારવાર હોય કે રસીની ઝડપી શોધ, આ તમામ કામગીરીએ ભારતને સક્ષમ નેતૃત્વ હેઠળ પૂર ઝડપે વિકસિત દેશ બનવા તરફ વેગ અને આત્મવિશ્વાસ આપ્યો છે.
દેશના વિકાસમાં વંચિતો પ્રત્યે સરકારની જવાબદારી સમજાવતા મંત્રીએ જણાવ્યું હતું કે દેશ આગળ વધે પરંતુ દેશના ગરીબો સરકારી લાભોથી વંચિત રહી જાય તો વિકાસ સાર્થક ના કહેવાય. આજથી ૧૦ વર્ષ પહેલાં સુધી ગરીબો સ્વાવલંબી ન હોવાને કારણે સરકારી યોજનાઓના લાભ માટે વચેટિયાઓ પર નિર્ભર રહેતા હતા જેઓ તેમનું શોષણ કરતા. એટલે જ દેશના પ્રત્યેક નાગરિકને સ્વાવલંબી બનાવવા અને તેમના ઘર આંગણે સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા સરકારે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું છે.
કપડવંજ અને કઠલાલ તાલુકામાં વિકાસના કામોથી નાગરિકોને મળેલ લાભ વિશે જણાવતાં ધારાસભ્ય રાજેશ ઝાલાએ જણાવ્યું હતું કે હાલમાં કપડવંજ અને કઠલાલ તાલુકામાં કુલ ૫,૭૦૦ પરિવારોને પીએમ આવાસ યોજનાનો લાભ મળ્યો છે. વધુમાં ૭૧થી વધુ પ્રાથમિક શાળામાં ૨૮ કરોડના ખર્ચે ૩૧૦થી વધુ ઓરડા મંજૂર થયા છે. ઉપરાંત ૯ કરોડના ખર્ચે સિંચાઇના તથા ૩૨ કરોડના ખર્ચે આરોગ્યના વિવિધ પ્રોજેક્ટને મંજુરી મળી છે. આમ, નેતાઓ અને અધિકારીઓ તો ગામોના વિકાસ માટે કટિબદ્ધ છે જ પણ દેશનો સાચો વિકાસ ત્યારે થાય જ્યારે ગામનો પ્રત્યેક વ્યક્તિ સરકારી લાભ પ્રાપ્ત કરવામાં એકમેકની મદદ કરે. માટે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને સરકારી યોજનાઓનો લાભ લેવા તથા પોતાને મળેલ લાભની વાત બીજાને કરી જાગૃતિ ફેલાવવા ધારાસભ્યે અપીલ કરી હતી.
કાર્યક્રમ અંતર્ગત આયુષ્માન ભારતના લાભાર્થી દ્વારા મેરી કહાની, મેરી જુબાની દ્વારા પોતાને મળેલ લાભની વાત સૌ સમક્ષ મૂકી હતી. કાર્યક્રમના અંતમાં મહાનુભાવો દ્વારા આયુષ્માન ભારત કાર્ડ,સોઈલ હેલ્થ કાર્ડ, આઇ સી ડી એસ ના વિવિધ લાભો, ઉજજવલા યોજના તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગામમાં જલ જીવન મિશન યોજનાની સંતૃપ્તિ અને ઓડીએફ પ્લસ બનાવવાની કામગીરી માટે સરપંચશ્રીને પ્રમાણ પત્ર આપવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારા કાર્યક્રમ સંદર્ભે યોજાયેલ વિવિઘ યોજના માટેના સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી.
કાર્યક્રમમાં કપડવંજના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ક્રિષ્ના ઉપાધ્યાય, મામલતદાર રમેશભાઈ, તાલુકા વિકાસ અધિકારી, એપીએમસીના પૂર્વ ચેરમેન નિલેશ પટેલ,જિલ્લા સહકારી સંઘના ચેરમેન જયેશ પટેલ,જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સેજલ બ્રહ્મભટ્ટ, મંત્રી ધુળાભાઈ સોલંકી, ગણપત રાઠોડ, જીતુ પટેલ, નરેન્દ્ર પટેલ, રૂપસિંહ પરમાર,સહિત ગામવાસીઓ ઉપસ્થિત રહ્યા હતાં.