ગુજરાત સાયબર ક્રાઈમ યુનિટે સુરતમાં ચલાવવામાં આવેલી એક વિશાળ કાર્યવાહી દરમિયાન ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના મોટાપાયે ગૂંથાયેલા કૌભાંડનો ભાંડાફોડ કરીને મોટી સફળતા મેળવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ આશરે ₹804 કરોડના વિવિધ પ્રકારના સાયબર કૌભાંડોમાં સંડોવાયેલા હતા. આ ગેરકાયદેસર નેટવર્ક મારફતે રાષ્ટ્રીય સ્તરે અનેક લોકોને છેતરવા માટે આરોપીઓએ 482 જેટલા બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કર્યો હતો. આ કૌભાંડ અંગે દેશભરના 1930 પોર્ટલ પર કુલ 1,549 ગુનાઓ નોંધાયા હતા, જેમાંથી 22 ગુનાઓને આધારે અલગ-અલગ રાજ્યોમાં એફઆઈઆર નોંધાઈ હતી. ગુજરાતમાં જ 1930 પોર્ટલ પર 141 કેસ નોંધાયા હતા, જેમાં અમદાવાદમાં 2 અને મોરબીમાં 1 એમ કુલ 3 એફઆઈઆર દાખલ થઈ હતી. પ્રાથમિક અંદાજ મુજબ ગુજરાત રાજ્યમાં આશરે ₹17.75 કરોડનું નુકસાન થયું છે.
તપાસ દરમિયાન ખુલ્યું કે ઝડપાયેલા 10 આરોપીઓ વિવિધ પ્રકારની સાયબર છેતરપિંડીમાં સક્રિય હતા, જેમાં ડિજિટલ ધરપકડ, ખોટા રોકાણના પ્રલોભન, યુપીઆઈ (UPI) આધારિત છેતરપિંડી, ખોટી ડિપોઝિટ સ્કીમ, ઓનલાઈન લોન છેતરપિંડી અને પાર્ટ-ટાઇમ નોકરી આપવાના બહાને લોકો પાસેથી પૈસા પડાવવાના કિસ્સાઓ સામેલ છે. પોલીસે આ ઓપરેશનમાં મોટી માત્રામાં પુરાવાઓ જપ્ત કર્યા છે, જેમાં 529 એકાઉન્ટ કિટ્સ, 447 એટીએમ કાર્ડ્સ, 686 સિમ કાર્ડ્સ, 16 પોઇન્ટ-ઓફ-સેલ (POS) મશીનો, 60 મોબાઇલ ફોન, 2 લેપટોપ, 11 સાઉન્ડ બોક્સ, 17 ક્યૂઆર કોડ્સ અને 1 રાઉટરનો સમાવેશ થાય છે.
ગુજરાત સાયબર ક્રાઈમ યુનિટના અધિકારીઓએ જણાવ્યું કે આ સમગ્ર ગેંગ સુવ્યવસ્થિત નેટવર્ક દ્વારા દેશભરમાં સાયબર છેતરપિંડી ચલાવી રહ્યો હતો અને સામાન્ય નાગરિકોને વિવિધ લોભામણી યોજનાઓમાં ફસાવીને તેમની મહેનતની કમાણી લૂંટતો હતો. સુરત સહિત અનેક શહેરોમાં થયેલી આ કાર્યવાહીએ સ્પષ્ટ કર્યું છે કે સાયબર ક્રાઈમ યુનિટ નાગરિકોને નાણાકીય છેતરપિંડીથી સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ છે અને ભવિષ્યમાં આવા ગુનાઓ સામે વધુ સઘન પગલાં ભરવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel