સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૬ને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ભદામ જિલ્લા પંચાયત માટે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન જિલ્લા ભાજપ અધ્યક્ષ નીલકુમાર રાવના હસ્તે કરવામાં આવ્યું હતું.
ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકરોમાં નોંધપાત્ર ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. “અટલ વિશ્વાસ, સૌનો વિકાસ – ભાજપ સાથે નર્મદામાં સુખનો શ્વાસ” જેવા પ્રેરણાદાયક સૂત્રો સાથે કાર્યકરો એકજૂટ થઈને ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
જિલ્લા અધ્યક્ષ નીલકુમાર રાવે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી ભાજપ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. સંગઠનશક્તિ અને કાર્યકરોની એકતા ભાજપની સૌથી મોટી તાકાત છે, જેના આધારે દરેક ઉમેદવારને વિજયી બનાવવા માટે મજબૂત આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિકાસના એજન્ડા સાથે ભાજપ ફરી એકવાર જનતા વચ્ચે વિશ્વાસ જીતશે અને નર્મદાના સર્વાંગી વિકાસને નવી દિશા આપશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉમેદવારો ચંદ્રિકાબેન રવિભાઈ વસાવા, કિરણભાઈ વસાવા, સ્મિતકુમાર વસાવા, પિયુષભાઈ ધર્મેન્દ્રભાઈ પ્રજાપતિ, પિયુષભાઈ તડવી, નીલીમાબેન વસાવા સહિત નિકુજ પટેલ, મહેન્દ્ર દવે, દિલીપ ગોહેલ, નીતિન પટેલ, અશોક પટેલ, જતીન પટેલ અને જગદીશ વસાવા સહિતના આગેવાનો, સરપંચશ્રીઓ, પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ કાર્યકરો અને આગેવાનોએ એકસ્વરે સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે નર્મદા જિલ્લામાં ભાજપનો ભગવો ફરી એકવાર જંગી બહુમતી સાથે લહેરાશે અને વિકાસયાત્રા સતત આગળ વધતી રહેશે.
શૈશવ રાવ નર્મદા
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel