કેન્દ્ર સરકારે ભારતીય સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભાની સભ્ય સંખ્યામાં ઐતિહાસિક વધારો કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મળતી માહિતી અનુસાર, સરકારે ‘બંધારણ (131મો સુધારો) બિલ, 2026’નો ડ્રાફ્ટ સાંસદો સાથે શેર કર્યો છે, જેમાં લોકસભાની કુલ બેઠકોની મર્યાદા વધારીને 850 સુધી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
આ પ્રસ્તાવિત સુધારા દ્વારા આગામી વસતી ગણતરીના આધારે મતવિસ્તારોના પુનઃનિર્ધારણ (સીમાંકન) માટે વૈધાનિક માર્ગ મોકળો થશે. દાયકાઓથી પડતર રહેલી સીમાંકનની પ્રક્રિયાને ફરી શરૂ કરીને દેશના વિવિધ રાજ્યોમાં જનસંખ્યા અનુસાર યોગ્ય પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાનો સરકારનો હેતુ છે.
મહત્વપૂર્ણ બાબત એ છે કે આ સુધારા દ્વારા મહિલા અનામતના અસરકારક અમલીકરણને પણ ગતિ મળશે. વધારેલી બેઠકોના કારણે મહિલાઓને વધુ પ્રતિનિધિત્વ મળવાની શક્યતા વધી શકે છે, જે લોકશાહી મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
હાલમાં બંધારણ મુજબ રાજ્યોમાંથી વધુમાં વધુ 530 અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 20 સભ્યો હોઈ શકે છે, જ્યારે સીમાંકન પંચ દ્વારા કુલ 543 બેઠકો નક્કી કરવામાં આવી છે. હવે આ નવી દરખાસ્તથી સમગ્ર માળખામાં મોટા ફેરફારો થવાની શક્યતા છે.
કેન્દ્ર સરકારના આ પગલાને દેશના રાજકીય અને પ્રાદેશિક સંતુલન માટે એક મહત્વપૂર્ણ પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યું છે, જે ભવિષ્યમાં લોકસભાના સ્વરૂપને નવી દિશા આપી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel