કચ્છ જિલ્લામાંથી એક ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જેમાં દિન દયાલ પોર્ટ ટ્રસ્ટ (કંડલા પોર્ટ) ના ઓઈલ જેટી નં-2 પરથી રવાના થયેલા એક કેમિકલ જહાજમાં બ્લાસ્ટ થવાની માહિતી મળી રહી છે. આ જહાજ પોતાનું કેમિકલ લોડ ખાલી કરીને કંડલા બંદરથી “આઉટર તુણા બોયા” તરફ આગળ વધતું હતું, તે સમયે અચાનક વિસ્ફોટ થયો. સદનસીબે, જહાજમાં હાજર તમામ 21 ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત હોવાનું સુત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે અને કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
વિસ્ફોટના ચોક્કસ કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી, પરંતુ પ્રાથમિક સ્તરે ટેક્નિકલ ખામી, કેમિકલ રિયેક્ટિવિટી અથવા સલામતીના ધોરણોમાં કોઈ અવગણન હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ઘટના અંગે મેરિટાઈમ રિસ્પોન્સ કોર્ડિનેશન સેન્ટર (MRCC) અને ઈન્ડિયન કોસ્ટગાર્ડની ટીમે તાત્કાલિક સ્થલે પહોંચી જઇ બચાવ અને સલામતીના પગલાં શરૂ કર્યા છે.
જહાજમાં વિસ્ફોટ થયા બાદ આસપાસના ક્ષેત્રમાં સુરક્ષા વધારવામાં આવી છે અને કંડલા પોર્ટ ઓથોરિટી દ્વારા પણ પોર્ટ વિસ્તારમાં અસ્થાયી એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. વડોદરા અને મુંબઇથી પણ ટેકનિકલ ઈન્સ્પેક્ટર્સની ટીમ ઘટના સ્થળે જઈ શકે છે.
આ ઘટનાથી અન્ય બંદરો અને સમુદ્રી પરિવહન વ્યવસ્થાઓમાં પણ સલામતીને લઈને પ્રશ્નો ઊભા થયા છે. વિસ્ફોટથી પોર્ટના ઓપરેશન્સમાં તાત્કાલિક અસર ન થાય તેમ પગલાં લેવામાં આવ્યા છે, અને સમુદ્રી પર્યાવરણ પર થયેલી શક્ય અસરની પણ તંત્રો દ્વારા તપાસ ચાલી રહી છે.
ઘટનાને લઈને મુખ્ય પોર્ટ અધિકારીઓ અને મેરિટાઈમ સેફટી ડિપાર્ટમેન્ટ ટૂંક સમયમાં અધિકૃત નિવેદન આપવાની સંભાવના છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel