રાજ્ય સરકાર દ્વારા અધિકારી ઓ અને કર્મચારીઓને નિયમિતપણે તાલીમ મળી રહે તે માટે તબક્કાવાર વિશેષ આયોજન કરવામાં આવે છે. મહેસૂલ વિભાગ, ગુજરાત સરકારની સુચના મુજબ નર્મદા જિલ્લાના મહેસૂલી અધિકારી/કર્મચારીઓ માટે ત્રિ-દિવસીય રિફ્રેશર તાલીમનું આયોજન જિલ્લા સેવાસદન સ્થિત કોન્ફરન્સ હોલ ખાતે કલેક્ટર એસ.કે.મોદીએ પ્રારંભ કરાવી વહીવટી કામગીરીને લગતું માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
જિલ્લા કલેકટરશ્રી એસ.કે.મોદી અને નિવાસી અધિક કલેકટર સી.કે.ઉંધાડના માર્ગદર્શન અને ઉપસ્થિતિ હેઠળ યોજાયેલી તાલીમના પ્રથમ દિવસે જિલ્લાના મહેસુલી અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલીમમાં મહેસૂલી કામગીરીથી સંકળાયેલા વિવિધ વિષયોને આવરી લઇ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ કલેકટર તેમજ મામલતદારશ્રીઓ દ્વારા વિષયવાર વિસ્તૃત પ્રસ્તુતીકરણ સાથે વિચારોની આપ-લે કરવા સાથે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
આ ત્રણ દિવસ ચાલનારી તાલીમમાં જમીન અને મહેસુલના વહીવટનો ઇતિહાસ, જમીનના વહીવટ અંગેના કાયદાઓ અને મહેસૂલી અધિકારીઓની સત્તાઓ તથા જવાબદારીઓ, હક પત્રક અદ્યતન રાખવાની કામગીરી અને જવાબદારીઓ, લેન્ડ રેકર્ડઝ કમ્પ્યુટરાઈઝેશન, મહેસુલે કેસો, તકરાર,અપીલ, રિવિઝન અંગેની કાર્ય પધ્ધતિ, કોર્ટ મેટરને લગતી કામગીરી, સરકારી, ગૌચર, સાર્વજનિક જાહેર જમીનોની જાળવણી, ખાતેદારો/નાગરિકો દ્વારા જમીન મહેસુલના વિવિધ કાયદાઓના ભંગના/શરત ભંગના કેસોની કાર્યવાહી, સીટી સર્વે કચેરીઓની કામગીરી, સર્વે અને માપણી વિભાગની કામગીરી, નોંધણી અને સ્ટેમ્પ વિભાગની કામગીરી તથા એથીક જેવા વિવિધ વિષયો પર અધિકારી ઓ દ્વારા તાલીમ આપવામાં આવનાર છે.