દિલ્હી હાઇકોર્ટએ 17 જુલાઈ, ગુરુવારે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં 2020ની કોવિડ-19 મહામારી દરમિયાન તબ્લીગી જમાતના વિદેશી નાગરિકોને આશ્રય આપવાના આરોપસર ચાર્જ કરાયેલા 70 ભારતીય નાગરિકો વિરુદ્ધ દાખલ થયેલી 16 FIRને રદ કરી દીધી છે. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની સિંગલ બૅન્ચે આ અરજી પર સુનાવણી કરતા માત્ર FIR જ નહીં, પરંતુ આરોપીઓ વિરુદ્ધ દાખલ ચાર્જશીટ પણ રદ કરી દીધી. FIRમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે 70 અરજદારોને નિઝામુદ્દીન મરકઝમાં આયોજિત તબ્લીગી જમાતના કાર્યક્રમમાં હાજર રહેલા 190થી વધુ વિદેશી નાગરિકોને પોતાના ઘરે અથવા અન્યત્ર આશ્રય આપ્યું હતું, જે લોકડાઉન અને જાહેર આરોગ્યના નિયમોનો ઉલ્લંઘન ગણાયો હતો.
અરજદારોના વકીલ આશિમા મંડલા અને મંદાકિની સિંહે દલીલ કરી હતી કે, આરોપીઓએ માત્ર માનવીય દૃષ્ટિકોણથી રોકાણ આપ્યું હતું અને કોઈ ધાર્મિક સમારંભનું આયોજન કર્યું નહોતું. તેમણે આ કેસને કાયદેસર આધાર વગરનો, ભેદભાવપૂર્ણ અને વ્યક્તિગત સ્વતંત્રતાના ઉલ્લંઘન રૂપ ગણાવ્યો હતો. તેમના મત અનુસાર, તે સમયના સરકારી નિયંત્રણો ધાર્મિક મેળાવડાઓ માટે લાગુ હતા, પરંતુ વ્યક્તિગત સ્તરે મદદ કરવી તેનો ભાગ નહોતો. બીજી તરફ, દિલ્હી પોલીસે કોર્ટમાં દલીલ કરી હતી કે આરોપીઓએ ઇચ્છાપૂર્વક અને જાણે જોઈને એવા વિદેશી નાગરિકોને આશ્રય આપ્યો હતો જેમણે કોવિડના નિયંત્રણોના ભંગનો ઇતિહાસ રાખ્યો હતો.
વિશેષ વાત એ રહી કે, અરજદારોના વકીલોએ હાઇકોર્ટનું ધ્યાન આ તરફ દોર્યું કે, તબ્લીગી જમાતના મુખ્ય વ્યક્તિ મૌલાના સાદ વિરુદ્ધ હજુ સુધી ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી નથી, જ્યારે તેમની વિરુદ્ધના આરોપો વધુ ગંભીર હતાં. આ દલીલો, અધિકારીઓના પગલાંની અસંગતતા અને આરોપીઓના કથિત ભૂમિકા અંગે પુરાવાની નબળાઈના આધારે હાઇકોર્ટે માન્યું કે આ FIR કાયદેસર રીતે ટકાઉ નથી. પરિણામે, કોર્ટે તમામ 70 અરજદારો વિરુદ્ધની 16 FIR તેમજ ચાર્જશીટને રદ કરી, જે એક મહત્વપૂર્ણ ન્યાયિક દ્રષ્ટાંતરૂપ ચુકાદો તરીકે નોંધાયો છે.