મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે કુલ ₹૧૧૦.૨૮ કરોડના વિકાસપ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા ઇ-લોકાર્પણ યોજાયું હતું. વિવિધ વિભાગોના ૧૦૦થી વધુ કામોને અમલમાં મુકતા વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ છે.
સમારંભ દરમિયાન માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ, આરોગ્ય, શહેરી વિકાસ, ગ્રામ વિકાસ અને જળસંપત્તિ વિભાગ જેવા વિવિધ ક્ષેત્રોના કુલ ૧૧૦.૨૮ કરોડના કામોની ઘોષણા અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યો. સાથે સાથે વિવિધ યોજનાઓ અંતર્ગત કુલ ૪૨.૨૯ લાખના લાભોનું વિતરણ પણ કરાયું હતું.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના વિસ્તાર સુધી રોજગાર, આરોગ્ય અને શિક્ષણ જેવી સેવાઓ પહોચાડવાનું આયોજનબદ્ધ કામ કર્યું છે. આજના ગુજરાતના ફાઈનાન્સ મૅનેજમેન્ટથી લઇ વિકાસના મોડલ સુધી દેશભરમાં ગુજરાત ગ્રોથ એન્જિન બન્યું છે.
આ અવસરે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પણ સાંતલપુરને વિકાસના માર્ગે આગળ ધપાવવાના પ્રયાસો માટે મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા.
સાંસ્કૃતિક અને સામાજિક દૃષ્ટિએ મહત્વ ધરાવતા એ વિસ્તારમાં માર્ગ, આરોગ્ય, પાણી અને ઉદ્યોગ ક્ષેત્રે કરવામાં આવેલા કાર્યોનું મુખ્યમંત્રીએ જાતે સમીક્ષા કરી. સમારોહ બાદ પાટણ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે વિકાસ કાર્ય સમીક્ષા બેઠક પણ યોજવામાં આવી.
જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, કલેકટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી શ સી.એલ. પટેલ સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ, કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા.